વર્ષના અંત સુધીમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સથી ચાલતી ટ્રેન સેવાનો પ્રારંભ થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, ભારત વર્ષના અંત સુધીમાં કેટલાક પર્યટન સ્થળો ઉપર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી ટ્રેનો શરૂ કરશે. આ સાથે મંત્રીએ આઠ હેરિટેજ રૂટ સેવાઓના નામની પણ જાહેરાત કરી હતી. પરિવહન ક્ષેત્રમાં એક સ્વચ્છ ઉર્જા પ્રૌદ્યોગિકાના રૂપમાં હાઇડ્રોજન ઇંધણ સેલ્સને ઝડપથી વપરાશમાં લેવામાં આવી રહ્યું છે. ઘણા દેશોએ આ સેવા શરૂ કરી દીધી છે જે પાણી સિવાય કોઈ ઉત્સર્જન છોડતી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, “‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ હેઠળની પ્રથમ ટ્રેન ડિસેમ્બર 2023 થી દોડતી થશે. જેનો અર્થ છે કે હેરિટેજ રૂટની ટ્રેનો ગ્રીન થઈ જશે.” આ સાથે, તેમણે કહ્યું કે, લોકોમોટિવ્સ હજુ પણ તેમના વારસાને જાળવી રાખવા માટે સ્ટીમ એન્જિનનું સ્વરૂપ જાળવી રાખશે. જે રૂટ પર આ ટ્રેનો દોડશે તેમાં કાલકા-શિમલા, માથેરાન હિલ, દાર્જિલિંગ હિમાલય, કાંગડા વેલી, બિલમોરા-વાઘાઈ, મહુ-પાતલપાની, નીલગીરી પર્વત અને મારવાડ-દેવગઢ મદરિયાનો સમાવેશ થાય છે. હાલમાં આ રૂટ પરની ટ્રેનો મોટાભાગે ડીઝલ પર ચાલે છે.
આ નવી ટ્રેન એક રીતે સંપૂર્ણપણે અલગ તકનીક હશે. મંત્રીએ સમજાવ્યું કે આ ટ્રેનો, જે નેરોગેજ પર ચાલે છે અને પરિવહનને બદલે આરામ માટે છે, તેમના દરેક કોચને પાવર માટે હાઇડ્રોજન સેલ મોટર્સ હશે. વૈષ્ણવે કહ્યું કે દરેક ટ્રેનમાં ચાર કોચ હશે.