નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) ની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું, “આપણા દેશના ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. પીએમ મોદીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે, અને મને એ જણાવતા આનંદ થાય છે કે 12 લાખથી વધુ ખેડૂતો પહેલેથી જ નોંધાયેલા છે.”
તેમણે કહ્યું હતું કે, “આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મહા નવમીનો દિવસ શુભ છે. આજે આ શુભ અવસર પર નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડની ઔપચારિક શરૂઆત થઈ રહી છે.” કૃષિ નિકાસ વધારી ખેડૂતોને સમૃદ્ધ કરવા અને એ નિકાસનો લાભ સીધો ખેડૂતના ખાતામાં જાય એ અમારો લક્ષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, વર્ષ 2027 સુધી 2 કરોડ થી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરશે અને સફળ અર્થતંત્ર માટે દેશની 60% ગ્રામીણ વસ્તીની સમૃદ્ધિ અને રોજગાર જરૂરી છે, જે સહકારી મંડળીને મજબૂત કરવાથી જ શક્ય બનશે.
નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) દ્વારા ‘નેશનલ સેમિનાર ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’માં બોલતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે G20 સમિટમાં PM મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કર્યું હતું. ભારત આ જોડાણનું નેતૃત્વ કરી રહ્યું છે, જે ઇથેનોલ અને અન્ય બાયોફ્યુઅલ વિશે વિશ્વમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે. આનાથી માંગમાં વધારો થશે અને ભારત પાસે તે માંગને પહોંચી વળવાની અમર્યાદિત શક્યતાઓ છે. ઘણી કંપનીઓ ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન કરે છે. ભવિષ્યમાં, અમે મકાઈનો ઉપયોગ કરીને ઇથેનોલનું ઉત્પાદન કરી શકીએ છીએ. જો સહકારી ક્ષેત્ર આમાં પહેલ કરશે, તો અમે ઇથેનોલની વધતી જતી માંગને પૂરી કરી શકીશું.”