દિલ્હી:સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કનાં રિપોર્ટ મુજબ 2030 સુધી દેશમાં લોકોની માથાદીઠ આવક ચાર હજાર ડોલર પહોંચશે. આ વિશે રિપોર્ટમાં વધારે જણાવવામાં આવ્યુ કે માથાદીઠ આવકનાં સંદર્ભમાં ગુજરાત ટોચ પર પહોંચશે. આ પછી મહારાષ્ટ્ર્, તામિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગણા, આંધ્રપ્રદેશનો નંબર આવે છે. દેશની જીડીપીમાં તેલંગણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશનો 20 ટકા હિસ્સો છે. જેની માથાદીઠ આવક 2030 સુધીમાં 6000 ડૉલર થશે.
તાજેતરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમની સરકારનાં ત્રીજા કાર્યકાળમાં ઈકોનોમી 5 ટ્રિલિયન ડૉલરની થશે. આને કારણે ભારત વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટામાં મોટી ઈકોનોમી બનશે. હાલ અમેરિકા પહેલા અને ચીન બીજા નંબરની મોટામાં મોટી ઈકોનોમી છે. જાપાન ત્રીજા નંબરે, જર્મની ચોથા નંબરે છે.
નાણાકીય વર્ષ 2001માં જીડીપીનાં સંદર્ભમાં માથાદીઠ આવક 460 ડૉલર હતી જે 2011માં વધીને 1413 ડૉલર અને 2021માં 2150 ડૉલર થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે દેશમાં છેલ્લા 10 વર્ષમાં જોરદાર બદલાવ જોવા મળ્યા છે જેના કારણે લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ બદલાયું છે. લોકોની ખર્ચ કરવાની શક્તિમાં પણ વધારો થયો છે.
હાલ ભારતનું બજાર સમગ્ર વિશ્વના દેશો માટે મહત્વનું બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી વાતાવરણ બની રહ્યું છે તો બીજી તરફ ચીનમાં રોકાણ કરીને વેપાર કરતા દેશો માટે ભારત બીજો વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.