1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય
ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય

ભાવનગરના ગંગાજળિયા તળાવમાં કચરો ફેંકીને લોકો જ ગંદકી ફેલાવી રહ્યા છે, તંત્ર નિષ્ક્રિય

0
Social Share

ભાવનગરઃ શહેરીજનો જ સ્વચ્છતા માટે ટેવાયેલા નથી, અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આણવી જરૂરી છે. શહેરના ઐતિહાસિક ગણાતા અને શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ ગંદગીનો પર્યાય બની ગયું છે. તળાવમાં પાણીની જગ્યાએ ફક્ત ગંદકી વહી રહી છે. લોકોએ કચરો ફેંકીને તળાવને ઉકરડો બનાવી દીધું છે, જ્યારે મ્યુનિનું તંત્ર મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યું છે.

ભાવનગર શહેરની એક ઓળખ એવા ગંગાજળિયા તળાવમાં જે રીતે ગંદકીના થર તરી રહ્યા છે. શહેરીજનો જ તળાવને ગંદુ બનાવી રહ્યા છે. તળાવની આસપાસ આવેલી દુકાનો, સોસાયટીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા અને રસ્તા પરથી પસાર થતા લોકો કચરાપેટી સમજીને તળાવમાં કચરો નાંખતા હોવાથી તળાવ કચરાપેટી બની ગયું છે. સમગ્ર તળાવમાં પ્લાસ્ટિક સહિતનો કચરો તરતો જોવા મળે છે. લીલ સહિતની વનસ્પતિએ પણ તળાવના પાણીને દુષિત બનાવ્યું છે. ગંગાજળિયા તળાવમાં છોડવામાં આવતું ફિલ્ટરનું વેસ્ટ પાણી છેલ્લા 2 મહિનાથી બંધ કરાતા પાણીમાં ઑક્સિજનના લેવલમાં પણ ઘટાડો નોંધાયો છે, જેનો ભોગ પેઇન્ટેડ સ્ટોર્ક, કોરમોરન્ટ અને બતક સહિતની પ્રજાતિના પક્ષીઓ બની રહ્યા છે. તળાવમાં નવું પાણી ન ઉમેરાતા શેવાળનું પ્રમાણ અનેક ગણું વધી જતા તેમાં ફસાઈને પક્ષીઓનાં મોત થઈ રહ્યા છે. ઓક્સિજનના અપૂરતા લેવલને કારણે જળચર જીવોને પણ માઠી અસર થઇ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરના ગંગાજળિયા તળાવની આસપાસ સિક્યુરિટીની કોઈ જ વ્યવસ્થા નથી. તળાવના પાણીમાં પ્રદૂષણ હદ વટાવી જતા તંત્ર મોડે મોડેથી પણ હરકતમાં આવ્યું છે અને તળવાના શુદ્ધિકરણ માટે કેટલાક લોકોને રોક્યા છે. તંત્રએ તળાવના શુદ્ધિકરણની કામગીરી તો શરૂ કરી છે, પણ આ કામગીરીને પરિણામ સાથે પૂરી કરવી અને તળાવને હંમેશા પ્રદૂષણથી બચાવવું પણ જરૂરી છે. સ્વચ્છતા અભિયાન માત્ર રસ્તા રસ્તા પરના કચરાને જ લાગુ ન પડવું જોઈએ. તળાવને સ્વચ્છ રાખવું પણ તંત્રની પ્રાથમિક ફરજમાં આવે છે.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગા જળિયા તળાવ ઐતિહાસિક છે. જૂના ભાવનગર શહેરના લોકોને પાણી મળી રહે એ માટે રજવાડાના સમયમાં ગંગાજળિયા તળાવ તૈયાર કરાયું હતું. સમય જતાં તળાવનું ક્ષેત્રફળ ઘટીને અડધું રહી ગયું છે. મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી તળાવની ફરતે હરવાફરવા માટેનું સ્થળ બનાવ્યું છે, આસપાસની જગ્યાની સુંદરતા વધારી છે, પણ તળાવના હાર્દ એવા પાણીની ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું ભૂલી જવાયું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code