કિવ તાત્કાલિક છોડવા ભારતીય નાગરિકોને દૂતાવાસની અપીલ, એરલિફ્ટ માટે એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે
નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રશિયન સૈન્ય ધીમે-ધીમે હવે યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ચુક્યું છે. દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીયોને તાત્કાલિક કિવ છોડી દેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં ભીષણ જંગ થવાના અણસાર જોવા મળી રહ્યાં છે. દરમિયાન ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને તાત્કાલિક કિવ છોડવા અપીલ કરી છે. ટ્રેન મળે તો ટ્રેન તથા અન્ય જે વાહન મળે તેમાં કીવમાંથી ઝડપથી બહાર નીકળી જાવ. ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ઓપરેશન ગંગા મારફતે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. ભારતીયોને બહાર કાઢવા માટે સી-17 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે તેવી શકયતા છે. આ એરક્રાફ્ટથી મોટી સંખ્યામાં ભારતીયોને એકસાથે નીકળી શકાશે. પીએમ મોદીએ યુક્રેનમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે એરફોર્સ સાથે પણ વાતચીત કરી હતી.
યુક્રેન ઉપર સતત રશિયા હુમલા કરી રહ્યાં છે. દરમિયાન યુએનના હાઈ કમિશનરએ જણાવ્યું હતું કે, યુદ્ધને પગલે યુક્રેનમાંથી લગભગ 50 હજાર જેટલા નાગરિકો પડોશી દેશમાં ભાગી ચુક્યાં છે. રશિયાના હુમલાને અટકાવવા માટે ના ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી.