Site icon Revoi.in

અમદાવાદમાં સી-પ્લેન સેવા 20 મહિનાથી બંધ, NSUIએ રમકડાના વિમાનો ઉડાવી કર્યો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવાને પુરાતા પ્રવાસીઓ મળતા નહતા. ઉપરાંત મેન્ટેનન્સને લીધે વારંવાર સી-પ્લેન સેવા બંધ રહેતી હતી. આખરે સી-પ્લેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા માટે નવા ઓપરેટરોને નિમવા માટે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી હતી. પરંતુ કોઈ ઓપરેટરોએ સી-પ્લેન સેવા શરૂ કરવા માટે રસ દાખવ્યો નહીં. અને હાલ છેલ્લા 20 મહિનાથી સી-પ્લેન સેવા બંધ પડી છે. ત્યારે પ્રવાસનને વેગ આપવા માટે પુનઃ સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા રમકડાના વિમાનો ઉડાવીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં NSUI દ્વારા બુધવારે રિવર ફ્રન્ટ પર રામકડાંના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો .NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ કરી દેવાઈ છે. શહેરના આશ્રમ રોડ વલ્લભસદન રિવર ફ્રન્ટ ખાતે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન લાવી પાણીમાં ઉડાવ્યા હતા. રમકડાના પ્લેન ઉડાવી NSUIએ નારા સાથે સરકારનો વિરોધ પણ કર્યો હતો. NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.શહેરમાં ખાડા અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે. છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી સરકારને ઢંઢોળવા માટે નકલી પ્લેન ઉડાવી વિરોધ કરી રહ્યા છીએ.

NSUIના ગુજરાતના અગ્રણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ સી-પ્લેન છેલ્લા 20 મહિનાથી બંધ છે, ગત જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ તત્કાલિન સમયે જણાવ્યું હતું. પરંતુ જુલાઈ પણ પૂરો થવા આવ્યો હજી સુધી સી પ્લેનની સેવા શરૂ થઈ શકી નથી.