Site icon Revoi.in

CAની ફાઇનલ પરીક્ષાનું પરિણામ, ટોપ 25માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ

Social Share

અમદાવાદઃ સીએ ફાઇનલ પરીક્ષાનું  પરિણામ જાહેર થયું છે. સીએની ફાયનલ પરીક્ષા દેશમાં કુલ 66,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 12500 વિદ્યાર્થીઓ પાસ થયા છે.અત્યાર સુધી દેશમાં 3.50 લાખ સીએ હતા જે વધીને હવે 3,62,500 થશે.અત્યાર સુધી 60 દિવસ બાદ પરિણામ આવતું હતું જે ઘટાડીને હવે 45 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

દેશમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી ICAI દ્વારા લેવાયેલી સીએ ફાઈનલનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદમાં બંને ગ્રુપનું પરિણામ 16.34 ટકા આવ્યું છે. ગ્રુપ-1નું પરિણામ 19.76 ટકા અને ગ્રુપ-2નું પરિણામ 21.68 ટકા આવ્યું છે. કુલ 2717 વિદ્યાર્થીઓએ અમદાવાદમાંથી પરીક્ષા આપી હતી, જેમાંથી 528 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દેશભરના ટોપ 25માં અમદાવાદના પ્રિયાંક શાહનો 10મો નંબર, ઓમ અખાણીનો 16મો નંબર અને રૃચિત વખારિયાનો 21મો નંબર આવ્યો છે. આમ દેશમાં ટોપ 25માંથી અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દેશમાં ત્રીજા નંબરે આવેલી સુરતની સૃષ્ટિએ જણાવ્યું હતું કે અઘરા વિષયોને તે ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરતી હતી. 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ ચાર વર્ષમાં જ તેણે સીએની પરીક્ષા પાસ કરી છે. આગામી સમયમાં તેની પાસે ઘણા બધા ઓપ્શન છે, જેથી તે કોર્પોરેટમાં પણ જોડાઈ શકે છે. સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયૂર સંઘવી, કાકા પણ સીએ છે સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવારમાં મોટા ભાગના જ સભ્યો સીએ હોવાથી મને પહેલે દિવસથી જ એટલે કે બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી અને એ પ્રમાણે જ હું તૈયારી કરતી હતી, જેને કારણે આજે સફળતા મળી છે. એમાં પરિવાર અને શિક્ષકોનો પૂરતો સહયોગ રહ્યો છે. પરિવારના દરેક સભ્ય મને માર્ગદર્શન પણ આપતા હતા. સીએની ઇન્ટરમિડિયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. ત્યારથી તે સતત તૈયારી કરતી હતી. રોજના 10થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટિકલશિપનાં ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી, જેને કારણે આ સફળતા મળી છે.