CA ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ, અમદાવાદમાં 2277માંથી માત્ર 523 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા
અમદાવાદઃ સી.એ. ફાઉન્ડેશનની જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 24.98 ટકા આવ્યું છે. દેશભરમાં 1,03,517 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 25,680 વિદ્યાર્થી પાસ થયા છે. જેમાં અમદાવાદમાં પરીક્ષા આપનારા 2277 વિદ્યાર્થીમાંથી 523 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતાં પરિણામ 22.97 ટકા આવ્યું છે. અમદાવાદના અખબારનગરમાં રહેતા હેત પંચાલે 400માંથી 337 માર્ક મેળવ્યા છે, જ્યારે ચિત્રલ પામેચાએ 400માંથી 349 માર્ક મેળવીને જળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
સીએ ફાઉન્ડેશનની દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી કૂલ 1,03,517 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 25,680 વિદ્યાર્થી પાસ થયા છે, જેનું પરિણામ 24.98 ટકા છે. અમદાવાદના નારણપુરા ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાં કોચિંગ લેતા કુલ 40 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 11 વિદ્યાર્થી પાસ થયા છે, જેની ટકાવારી 27.50 ટકા છે. સી.એ. ફાઉન્ડેશન પરીક્ષામાં 400માંથી 337 માર્ક મેળવી આશરે 85 ટકા મેળવનાર હેત પંચાલ અમદાવાદના અખબારનગરનો રહેવાસી છે, જેણે આ જ વર્ષે ધોરણ 12 અને સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે હેત પંચાલે નેસ્ટ પબ્લિક સ્કૂલમાંથી કોમર્સ વિષયમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ લીધું છે. હેત પંચાલ પહેલેથી ભણવામાં હોશિયાર છે. તેણે ધોરણ 10માં 98 ટકા અને ધોરણ 12માં 93 ટકા મેળવ્યા હતા. માર્ચ 2023માં હેત પંચાલે ધોરણ 12 કોમર્સની પરીક્ષા ગુજરાતીમાં પાસ કરી છે. જ્યારે સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા અંગ્રેજીમાં આપી છે, એમ છતાં તેણે આટલા સારા ગુણ મેળવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ ICAIના પાસ થયેલા વિદ્યાર્થીઓનું હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022ની પરીક્ષામાં અમદાવાદનું પરિણામ 37.90 ટકા, જ્યારે જૂન 2022નું અમદાવાદનું પરિણામ 29.83 ટકા હતું, જેમાં ઘટાડો નોંધાયો છે. જોકે ઓલ ઇન્ડિયા રિઝલ્ટમાં પણ અનુક્રમે 4.5 ટકા અને 0.50 ટકા જેટલો ઘટાડો નોધાયો છે.
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં સુરતના રહેવાસી ચિત્રલ પામેચાએ 400માંથી 349 માર્ક મેળવીને સુરતમાં દ્વિતીય સ્થાન અને અનંતા મલ્લએ 400માંથી 335 માર્ક મેળવીને સુરતમાં ચોથું સ્થાન મેળવ્યું છે. પાર્થ જૈન 325/400, ખુશલ અગ્રવાલ 324/400, પ્રીત કોઠારી 322/400, સુરભિ દ્વિવેદી 320/400, શ્રેયાંશ અગ્રવાલ 318/400, વ્રજ બાહેતી 305/400 અને અંશિકા અગ્રવાલે 302/400 માર્ક મેળવીને સુરત ટોપર્સમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.