નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા દિવ્યા રામ અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. નાગરિકતા માટે અરજી કરનારા બાકીના 15 લોકોના દસ્તાવેજોની ચકાસણી 21 મેના રોજ થશે.
રતિયા વિસ્તારના રતનગઢ ગામમાં રહેતા પાકિસ્તાનના પૂર્વ સાંસદ દિવ્યા રામે જણાવ્યું કે, તેમનો પરિવાર વર્ષ 2000માં પાકિસ્તાનથી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. વિઝાની મુદત પૂરી થયા બાદ પરિવાર પાકિસ્તાન પાછો ગયો ન હતો. પરિવાર પહેલા રોહતક જિલ્લાના મદીના વિસ્તારમાં રહેતો હતો. વર્ષ 2006માં તેઓ ફતેહાબાદ જિલ્લાના રતનગઢમાં આવીને સ્થાયી થયા હતા. દિવ્યા રામના કહેવા પ્રમાણે, તેઓ બેનઝીર ભુટ્ટોના શાસન દરમિયાન પાકિસ્તાનમાં સાંસદ હતા.
કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા જ સીએએના અમલીકરણનો નિર્ણય લઈને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ 14 જેટલા વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના દેશોના લઘુમતીઓ ધાર્મિક કારણોસર ભારતમાં આવીને વસવાટ કરતા હોય તો તેમને ભારચીય નાગરિકતા આપવા માટે સીએએ કાયદો અમલી કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો.