CAA ભારતીય મુસ્લિમોની સ્વતંત્રતા અને તકોને કોઈ અસર કરતું નથીઃ કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરાયા બાદ વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, સરકારે ફરી એકવાર કહ્યું છે કે CAA ભારતીય મુસ્લિમોની સ્વતંત્રતા અને તકોને કોઈ અસર કરતું નથી. સરકારે એમ પણ કહ્યું છે કે ભારતીય નાગરિકતા લેવા માટે વિશ્વના ક્યાંયથી પણ આવતા મુસ્લિમો પર કોઈ પ્રતિબંધ નથી.
વિપક્ષનું કહેવું છે કે સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને CAA લાવી છે, જેથી ધાર્મિક ધ્રુવીકરણ થઈ શકે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સોમવારે (11 માર્ચ) CAAના નિયમોને સૂચિત કર્યા છે. આમ, CAA પસાર થયાના ચાર વર્ષ પછી અમલમાં આવ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા બિન-દસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘નાગરિકતા કાયદાની કલમ 6 હેઠળ, વિશ્વના કોઈપણ જગ્યાએથી મુસ્લિમો ભારતીય નાગરિકતા માંગી શકે છે. તે નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા સાથે જોડાયેલ છે. મંત્રાલયે કહ્યું કે, ‘ઈસ્લામિક દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માં તેમના ઈસ્લામના માર્ગને અનુસરવા બદલ અત્યાચાર ગુજારવામાં આવતા મુસ્લિમોને વર્તમાન કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા રોકવામાં નથી આવી રહ્યા.’
મંત્રાલયે આગળ કહ્યું, ‘CAA નેચરલાઈઝેશન રદ કરતું નથી. તેથી, કોઈપણ વ્યક્તિ, કોઈપણ વિદેશી દેશમાંથી મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ સહિત, જે ભારતીય નાગરિક બનવા ઈચ્છે છે તે વર્તમાન કાયદા હેઠળ તેના માટે અરજી કરી શકે છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CAAમાં તેમની નાગરિકતા પર અસર કરવાની કોઈ જોગવાઈ નથી. આને વર્તમાન 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી. તેમને પણ અન્ય નાગરિકો જેવા જ અધિકારો છે.