CAA ભારતનો આંતરિક મામલો, ભાષણની જરૂર નથી: અમેરિકાને ભારતીય વિદેશ મંત્રાલયની સીધી વાત
નવી દિલ્હી: ભારતમાં નાગરિકાત સંશોધન કાયદો એટલે કે સીએએને લઈને અમેરિકાની ટીપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સીએએને લઈને અમેરિકા તરફથી આવેલી પ્રતિક્રિયા બિનજરૂરી અને અડધી-અધૂરી જાણકારીથી પ્રેરીત છે. આ કાયદો નાગરિકતા આપવા સાથે જોડાયેલો છે, નાગરિકતાને છીનવવા સાથે નહીં. ભારતનું બંધારણ તેના દરિકે નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. જે લોકોને ભારતની વિવિધતાથી ભરપૂર પરંપરાઓનું જ્ઞાન નથી, તેમણે અમને ભાષણ આપવાની જરૂર નથી.
સીએએ પર બોલ્યું અમેરિકા તો મળ્યો આકરો જવાબ
આના પહેલા અમેરિકાએ કહ્યું હતું કે તે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના નોટિફિકેશનથી ચિંતિત છે. તેઓ સીએએના લાગુ કરવા પર નજીકથી નજર રાખી રહ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ ગુરુવારે કહ્યુ કે ભારતમાં 11 માર્ચના નાગરિકતા સંશોધન અધિનિયમના નોટિફિકેશનને લઈને અમે ચિંતિત છીએ. અમેરિકાની પ્રતિક્રિયા પર શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયે આકરો જવાબ આપ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ ભારતનો આંતરિક મામલો છે સીએએ નાગરિકતા આપવા સાથે સંબંધિત છે, છીનવવાથી નહીં. ભારતીય બંધારણ તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરેન્ટી આપે છે. લઘુમતીઓની સાથે વ્યવહાર પર ચિંતાનો કોઈ આધાર નથી. આ દેશની સમાવેશી પરંપરાઓ, માનવાધિકારો પ્રત્યે દીર્ઘકાલિક પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખવા માટે લાગુ કરવામાં આવ્યો છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યુ હતુ કે અમે ભારતમાં 11 માર્ચે જાહેર કરવામાં આવેલા સીએએના નોટિફિકેશનને લઈને ચિંતિત છીએ. અમે આ વાત પર નજીકથી નજર રાખી રહ્યા છીએ કે આ અધિનિયમને કેવી રીતે લાગુ કરવામાં આવશે. ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને તમામ સમુદાયોની સાથે કાયદા હેઠળ સમાન વ્યવહાર મૂળભૂત લોકશાહી સિદ્ધાંત છે.
આના પહેલા ભારત સરકારે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને લાગુ કર્યો. તેમાંથી 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનમુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવાનો માર્ગ પ્રશસ્ત થયો. સરકારે એમ પણ કહ્યુ કે સીએએ પર ભારતીય મુસ્લિમોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નથી. આ કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી અને તેમની પાસે પોતાના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો સમાન અધિકાર છે.