Site icon Revoi.in

નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેબિનેટની મંજૂરી, આ અંતર્ગત 6 લાખ નોકરીઓની તક સાપડશે

Social Share

દિલ્હીઃ- આજરોજ  બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ દરમિયાન અનેક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે.

ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. ખરીદદારો-વિક્રેતાઓને એક છત નીચે લાવવા માટે ગ્રીન હાઇડ્રોજન સેન્ટર વિકસાવવામાં આવશે. દેશમાં ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગને લઈને પાંચ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

 નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી આઠ લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે. આનાથી 6 લાખ નોકરીઓ ઉપલબ્ધ થશે. ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં 50 મિલિયન ટનનો ઘટાડો થશે. 

આ બાબતને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે 60-100 ગીગાવોટની ક્ષમતાના ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.