શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં આજે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે રાજધાની શિમલાના રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટમાં 7 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. ધની રામ શાંડિલ, ચંદર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
સરકારમાં સાત ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે રાજભવન શિમલામાં યોજાયો હતો. મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સાત ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા.
ધનીરામ શાંડિલે સૌપ્રથમ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી ચંદ્ર કુમારે બીજા સ્થાને મંત્રી પદના શપથ લીધા. ત્રીજા સ્થાને હર્ષવર્ધન ચૌહાણ, ચોથા સ્થાને જગત સિંહ નેગીએ મંત્રી તરીકે શપથ લીધા. રોહિત ઠાકુરે પાંચમા સ્થાને મંત્રી તરીકે શપથ લીધા. અનિરુદ્ધ સિંહે છઠ્ઠા સ્થાને અને વિક્રમાદિત્ય સિંહે સાતમા સ્થાને પદના શપથ લીધા. પ્રથમ યાદીમાં જ શિમલાને ત્રણ મંત્રીઓ મળ્યા છે. મંત્રીઓની ત્રણ જગ્યાઓ ખાલી રહેશે.