વીજ કંપનીઓના અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી
અમદાવાદઃ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટર બી. એ. શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકીયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફટિંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઇઝની લાઇન નાખવી, ટીસી તથા થ્રી ફેઇઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફટિંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડીયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઇટના કનેક્શન આપવા, રણજીતપર ગામે 66 કેવી મંજૂર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારું આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીએ પીજીવીસીએલના અધિકારીઓને જણાવ્યું હતું.