Site icon Revoi.in

વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચારોનો તરખાટ, 200થી વધુ ખેડુતોના કેબલ તસ્કરો ઉઠાવી ગયા

Social Share

રાજકોટઃ વિરપુર વિસ્તારમાં કેબલચોરોએ તરખાટ મચાવ્યો છે. ખેડુતોના બોર-કૂવાઓ પર ઈલેક્ટ્રિક મોટર સાથે જોડેલા કેબલની ચોરીના બનાવો વધી રહ્યા છે. વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચોરીના 200 જેટલા બનાવ બન્યા છે. સીમ-ખેતરોમાં કેબલ સાચવવા માટે ખેડુતોને રાતના ઉજાગરા કરવા પડે છે. આથી પોલીસ સક્રિય બનીને પેટ્રોલિંગ વધારે અને કેબલચોરોને ઝડપી લે તેવી ખેડુતોમાં માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિરપુરમાં છેલ્લા થોડા સમયથી કેબલ ચોર ગેંગ સક્રિય બની છે, એકલ દોકલ નહીં, 200 ખેડૂતોના કેબલોની ચોરી થઈ છે. અમુક ખેડૂતોએ ફરિયાદ પણ કરી છે, છતાં હજુ સુધી કોઇ ચોર ઝડપાયા નથી અને ઉલટું ચોરીના બનાવો વધી રહ્યા હોઇ, આ અંગે ખેડુતોની માગ છે. કે  પોલીસે નિષ્ક્રિયતા છોડીને તસ્કરોને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.  ખેડૂતો ખેતરમાં દિવસ રાત એક કરીને પાકનું ઉત્પાદન કરતા હોય છે, પરંતુ પાક ઉત્પાદનમાં ખેડૂતોને અનેક કુદરતી કે કુત્રિમ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, પછી એ વાતાવરણની મુશ્કેલીઓ હોય કે વીજળીની સમસ્યાઓ, નિલગાયોનો કે ભૂંડનો ત્રાસ હોય ત્યારે હવે ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે 20 થી 25 દિવસથી વીરપુરની સીમ વિસ્તારોમાં વાડીના બોરની સબમર્સિબલ મોટરના કેબલો કાપીને ચોરી જતા કેબલ ચોર ગેંગનો ત્રાસ વધી ગયો છે,

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વિરપુરની ચારેય દિશાના સીમ વિસ્તાર જેવી કે આહોબા સીમ, ડેમ સીમ વિસ્તાર, બધુડિયા સીમ, ઠોઠ સીમ વિસ્તારના 200 ખેડૂતોના વાડીના સબમર્સિબલ મોટરના, બોરની સબમર્સિબલ મોટરના કોપર કેબલ કાપીને ચોરી કરી જતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ખેડૂતોએ એવી ફરિયાદ કરી હતી કે, ઉનાળાનો સમય હોવાથી બહુ ઓછા ખેડૂતો વાડીએ કે ખેતરે જતા હોય છે જેમને લઈને તેનો ફાયદો ઉઠાવીને કેબલ ચોરો સક્રિય થતા હોય છે, સબમર્સિબલ મોટર ચાલુ કરવા માટે મોટર સ્ટાર્ટરથી સબમર્સિબલ મોટર સુધી કોપરનો કેબલ હોય છે. બજારમાં કોપરની કિંમત વધુ મળતી હોવાથી આવી કેબલ ચોર ગેંગ સક્રિય થઈ છે, જેમને લઈને ખેડૂતો મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે વિરપુર પંથકના ખેડૂતોએ કેબલ ચોરો સામે પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ વિરપુર પોલીસ દ્વારા નક્કર પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે આવી કેબલ ચોર ગેંગને પકડવામાં આવે અને પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.