Site icon Revoi.in

કલકત્તાઃ મહિલા ડૉક્ટરની હત્યાના ઘેરા પડઘા પડ્યાં, દેશના તબીબો હડતાળ પર ઉતર્યાં

Social Share

નવી દિલ્હીઃ કોલકાતામાં એક ટ્રેની મહિલા ડૉક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 31 વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા લેવાની માગણી કરી છે.

મેડિકલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ ટ્રેની ડોક્ટર રાત્રે બે વાગ્યા સુધી ડયુટી પર હતી, તે ભોજન લીધા બાદ હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં વાંચન માટે ગઇ હતી, બીજા દિવસે સવારે તે આ હોલમાં જ બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલીક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.  કોલકાતાના પોલીસ કમિશનર વીનિત કુમાર ગોયલે મીડિયાને જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાના ગાલ, ચહેરો, નાક, પેટ, આંગળીઓ અને ઘૂંટણ તેમજ પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓના નિશાન છે.

આ સમગ્ર ઘટના કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સામે આવી છે. તેમજ અન્ય હોસ્પિટલોના તમામ ડોક્ટરો ધરણા પર બેસી ગયા હતા અને કાયદો વ્યવસ્થાને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટરોએ કહ્યું હતું કે સુરક્ષા નહીં તો કામ પણ નહીં કરીએ. એક જુનિયર ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. તમામ હોસ્ટેલમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. બીજી તરફ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે સંજોય રોય નામના એક શખ્સની ધરપકડ કરી છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી.

આરોપીની સામે નવા કાયદા બીએનએસ હેઠળ 103 (હત્યા) અને 64 (રેપ)ની કલમો લગાવવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં તેને  14 દિવસની કસ્ટડીમાં મોકલાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હોસ્પિટલ બહારનો છે અને હોસ્પિટલમાં તમામ વિભાગોમાં ખુલ્લેઆમ ફરતો હતો.  દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આરોપીને બક્ષવામાં નહીં આવે, અમે ફાંસીની સજાની માગણી કરીશું. સાથે જ સમગ્ર તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઇને હાલ બંગાળનું રાજકારણ ગરમાયું છે અને વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે.

આ મામલે આજ સોમવારે દેશભરમાં સરકારી ડૉક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર્સ એસોશિએશન દ્વારા પત્ર બહાર પાડીને આરજેકર મેડિકલ કોલેજના ડૉક્ટરો સાથે એકજુટ થઇને આજથી દેશભરમાં મેડિકલની વૈકલ્પિક સેવાઓને બંધ રાખવાની ઘોષણા કરી છે.