અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન પણ કરાવી શકે છે લાભઃ આ રહ્યું તેનું ઉદાહરણ
દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરે છે. તેમજ અજાણ્યા નંબરથી અવાર-નવાર ફોન આવતા હોય છે. અનેક લોકો આવા અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોનને રિસીવ કરવાનું ટાળે છે. પરંતુ ઓસ્ટેલિયાની એક મહિલાને અજાણ્યા નંબર ઉપર આવેલા ફોનથી જેકપોટ લાગ્યો છે. આ મહિલાને અજાણ્યા નંબરથી અનેકવાર ફોન આવ્યાં હતા જો કે, ફોન નંબરથી અજાણ હોવાથી ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. પરંતુ અનેકવાર ફોન આવતા હોવાથી અંતે કંટાળીને ફોન ઉઠાવ્યો ત્યારે ફોન કરનારી વ્યક્તિએ જે માહિતી આપી તેનાથી મહિલાની ખુશીનો પાર રહ્યો ન હતો. મહિલાને 1.5 મીલિયન ડોલર એટલે કે 11 કરોડથી વધારેની લોટરી લાગી હોવાની જાણ કરાઈ હતી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના તસ્માનિયાના લાંઉસેસ્ટનમાં રહેતી મહિલાને અજાણ્યા નંબર ઉપર કેટલાક ફોન આવ્યાં હતા. જેથી તેને આ ફોન રિસીવ કર્યાં ન હતા. જો કે, અંતે કંટાળીને તેને ફોન રિસીવ કર્યો ત્યારે માલુમ પડ્યું કે તેને 1.5 મિલિયન ડોલરની લોટરી લાગી છે. મહિલાએ જણાવ્યું હતું કે, અજાણ્યા ફોન નંબર ઉપરથી આવતા ફોન રીસિવ કરતી નથી. આવા ફોન કેટલાક ટીખળખોર કરીને પરેશાન કરતા હોય છે. પરંતુ અનેકવાર એક જ નંબરથી ફોન આવ્યો હતો. જેથી મને થયું કે, ફોન રિસીવ કરીને ફોન કરનારને યોગ્ય જવાબ આપું. મહિલાને ફોન ઉપર જણાવવામાં આવ્યું હતું કે, ટેટ્સલોટ્ટો ડ્રાઈંગમાં 1.47 મીલિયન ડોલરનો જેકપોટ જીત્યો છે. મહિલાએ વેસ્ટબરીમાં ફેસ્ટિવલ વેસ્ટબરી લોટ્ટો આઉટલેટથી પોતાની ટીકીટ ખરીદી હતી.
(Photo-File)