વડોદરાઃ શહેરમાં ફળોના વેપારીઓ દ્વારા કેમિકલથી ફળો પકવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતા. કેમિકલથી પકવેલા ફળો આરોગવાથી લોકોના આરોગ્યને નુકસાન થાય છે. એટલે કેમિકલથી ફળો પકવતા વેપારીઓ સામે પગલાં લેવા મ્યુનિ.કમિશનરે સુચના આપ્યા બાદ મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ અને વેરાઇ માતા ચોક ખાતે આવેલા ફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 85 કિલો અખાદ્ય ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જો કે આરોગ્ય વિભાગની ટીમને ફળો પકાવવા માટે વાપરવામાં આવતા કાબ્રાઇડ પાઉડરની પડીકીઓ હાથ લાગી ન હતી. ફળો ઇથિલિન રાઇપનરથી પકાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલા ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખારો અને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કાળઝાળ ઉનાળામાં પાકેલી કેરી, દ્રાક્ષ, તડબૂચ, ચીકુ જેવા ફળો સાથે શહેરમાં ઠેર-ઠેર જ્યુસનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, ત્યારે વડોદરા મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોનું આરોગ્ય સારું રહે તે માટે શહેરમાં મળી રહેલા પાકેલા ફળો કેવી રીતે પકવવામાં આવી રહ્યા છે. તે અંગેની હકીકત મેળવવા માટે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક સ્થિત ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ખંડેરાવ માર્કેટ, વેરાઈ માતા રોડ, સિધ્ધનાથ રોડ અને તેની આસપાસમાં આવેલા 55 ફ્રૂટના વેપારીઓની વખારો અને દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 85 કિલો સડી ગયેલી કેરીઓ, ચીકુ, પપૈયા જેવા ફળોનો નાશ કરવામાં આવ્યો હતો. અને શિડ્યુલ-4 મુજબ વેપારીઓને સફાઈ રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી.