Site icon Revoi.in

બનાસકાંઠામાં RTO દ્વારા ડ્રિંક & ડ્રાઈવ સામે ઝૂંબેશ, 160 જેટલાં ડ્રાઈવિંગ લાયસન્સ કર્યા સસ્પેન્ડ

Social Share

પાલનપુરઃ રાજ્યમાં વધતા જતાં માર્ગ અકસ્માતોને રોકવા માટે વાહનચાલકો પાસે ટ્રફિકના નિયમોનું કડક પાલન કરાવવા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તેમજ ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ યાને દારૂ પીને વાહનો ચલાવનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત વાહન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરનારા 160 જેટલા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહીતના ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી 160 જેટલાં ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને અન્ય બેદરકારીને લઈ RTO અધિકારીએ લાઈસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. તેથી આ જિલ્લામાં અનેકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહિત ડ્રાઈવિંગ નિયમોના ભંગના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવા નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે બનાસકાંઠા પોલીસ તેમજ આરટીઓ કચેરીએ કડક વલણ દાખ્યું છે. આરટીઓ દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા 160 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી દેવાયા છે. આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં. અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોની પાલન કરવાની પણ સલાહ આપી છે.

બનાસકાંઠા જિલ્લાનો નેશનલ હાઈવે 27 નંબર 24 કલાક ધમધમતા રહે છે,  ટુ વ્હીલર ફોર વ્હીલર કે પછી ટ્રાન્સપોર્ટેશનમાં એક છેડાથી બીજા છેડાએ માલસામાનને પહોંચાડવા માટે ટ્રક ડ્રાઇવરો 24 કલાક ગાડી હંકારતા હોય છે પરંતુ રાત્રી દરમિયાન કેટલાક ટ્રકો, બાઈકો અન્ય નાના મોટા વાહનોની પાછળ લાઈટ કે રેડિયમ પટ્ટી લગાવી નહોવાથી ગંભીર અકસ્માતો થતા હોય છે. જેના કારણે લોકોનું મૃત્યુ પણ થતું હોય છે અને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિ 2024 સડક સુરક્ષા અને જીવન સુરક્ષા ના ભાગરૂપે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઈવે 27 પરથી પસાર થતા તમામ વાહનો પર રેડિયમ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.