Site icon Revoi.in

હેલ્થકાર્ડ ધરાવતા દર્દીઓના સારવાર માટે વધુ ચાર્જના બીલો બનાવતી હોસ્પિટલો સામે ઝૂંબેશ

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં ‘મા અને પ્રધાનમંત્રી’  જનઆરોગ્ય યોજના હેઠળના કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપતી ખાનગી હોસ્પિટલો દર્દીઓના નામે ખોટા બિલો બનાવીને વસુલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવા બદલ ખાનગી હોસ્પિટલોને દંડ પણ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટની જાણીતી ચાર હોસ્પિટલને સાડા સાત લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકારના આરોગ્ય અધિકારીઓની ટીમ, જિલ્લાના નોડેલ અધિકારી અને અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં મ્યુનિ.ના આરોગ્ય અધિકારીની ટીમોએ હેલ્થકાર્ડ અંતર્ગત સારવાર આપતી હોસ્પિટલોમાં ચકાસણી કરી હતી. નિયમિત રીતે બીલ, કલેઇમ, ખર્ચ સહિતના ઓડિટ કરવામાં આવે છે. ત્યારબાદ હેલ્થકાર્ડના દર્દીઓને સારવારના નિયત કરતા વધુ બિલો વસુલાયા હોય તો  દંડની નોટીસ ફટકારવામાં આવે છે. રાજકોટ અને સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં વધુ અનિયમિતતા જોવા મળી હતી.
રાજકોટમાં દર્દીઓ પાસેથી વધારાના નાણા લેવાયા હોવાની ફરિયાદ સાબીત થતા ચાર હોસ્પિટલને દંડ કરવામાં આવ્યા હતા. તેમાં એક જાણીતી હોસ્પિટલમાં 18 દર્દી પાસેથી સરકારને મોકલાયેલા બીલ સિવાયની રકમ પણ લેવા બદલ પાંચ ઘણા એટલે કે 3.45 લાખના દંડ કરવામાં આવ્યા છે. તમામ સારવાર સરકારના ખાતે હોવા છતાં અમુક રકમ ઉઘરાવાતી હોવાથી તેના બદલ ત્રણ ગણા દંડની જોગવાઇ છે.
આવા જ દસ કેસ શહેરના કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. હોસ્પિટલોને  રૂા. 2.83 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  એક ખાનગી હોસ્પિટલને બે દર્દી પાસેથી વધારાનો ખર્ચ લેવા બદલ રૂા. 52 હજારનો દંડ કરાયો છે.

સૂત્રોએ વધુમા જણાવ્યું હતું કે, મા અમૃતમ અને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ કોઇ પણ દર્દી નોંધાયેલી હોસ્પિટલમાં દાખલ થાય એટલે સરકારના પોર્ટલ પર બીલ અપલોડ કરવામાં આવે છે. સરકાર ચકાસણી કરીને આ ખર્ચ ચૂકવે છે. દર્દીની સંખ્યા, તેના કેસ પેપર, સારવારનો પ્રકાર, ડોકટર દ્વારા અપાયેલી સારવાર, દર્દી કેટલા દિવસ દાખલ રહ્યા તે સહિતની વાતની ખરાઇ કરવામાં આવે છે. જરૂર પડે તો દર્દીને ફોન કરીને પણ કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવ્યો નથી તેવું અધિકારી પૂછે છે. દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે ઘરે પહોંચવાનો રૂા. 300નો ખર્ચ પણ સરકાર આપે છે. આમ છતાં અમુક હોસ્પિટલ અન્ય બહાને કેટલાક ખર્ચ પડાવતી હોવાની ફરિયાદ પરથી રાજય સરકાર તમામ શહેરોમાં ચેકીંગ ડ્રાઇવ ચલાવી રહી છે. તપાસના અંતે સરકાર નોટીસ આપે છે. દંડ વસુલવા છતાં ભવિષ્યમાં આવી બેદરકારી ચાલુ રહે તો હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની જોગવાઇ છે.