Site icon Revoi.in

અમદાવાદમાં ચાની કીટલીઓ પર પેપર કપ મળશે તો મ્યુનિ. દ્વારા દંડનીય કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી ચાની કીટલીઓ પર પેર કપમાં ચા આપવામાં આવે છે. પેપર કપમાં ગરમા ગરમ ચા આપવાની લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. એટલે મ્યુનિ.ના સેલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પેપર કપના ઉપયોગ સામે ઝૂંબેશ આદરવામાં આવશે. દરમિયાન  મ્યુનિસિપલ કમિશનરે સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.  શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો ઉપર તપાસ કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવા ચાની કીટલીઓ અને દુકાનદારોને દંડ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઘણીબધી ચાની કીટલીઓ પર માત્ર પેપર કપમાં નહીં પણ પ્લાસ્ટિકની થેલીમાં ચા ભરીને આપવામાં આવતી હોય છે. તેથી નાગરિકોના આરોગ્યને નુકશાન થતું હોય છે. ત્યારે મ્યુનિ.દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. લોકોને પણ પોતાના સ્વાસ્થ્ય માટે પેપર કપમાં કે પ્લાસ્ટિકની થેલીમાંથી અપાતી ચા ન પીવા અપીલ કરવામાં આવી છે. મ્યુનિ.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર તપાસ કરવામાં આવશે અને જો પેપર કપ મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે, જે કોઈપણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવશે તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને પાનના ગલ્લા ઉપર ચેકિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ પાનના ગલ્લાઓ ઉપર ગંદકી જોવા મળશે, તો તેમને પહેલા સમજાવવામાં આવશે અને ત્યારબાદ પણ ગંદકી કરશે. તો તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ ટી સ્ટોલ અને દુકાનોમાં પેપર કપ ચા આપવામાં આવે છે, તો તેમની સામે પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવાની વ્યવસ્થા શહેરના નિકોલ, અસારવા, નવરંગપુરા, વાસણા અર્બન હેલ્થ સેન્ટર ઉપર કરવામાં આવી છે. આવી એક્યુપ્રેશર સારવારની વ્યવસ્થા NGO સાથે મળી અને અન્ય અર્બન હેલ્થ સેન્ટરો પર પણ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા  છે.