અમદાવાદઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો નિયમિત વેરો ભરતા ન નથી. આથી બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ.એ એક જ દિવસમાં 22000 કોમર્શિયલ મિલકતોને સીલ મારી દેવાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, હવે રહેણાક પ્રોપ્રટીના બાકીદારો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. એએમસીના ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ એક જ દિવસમાં કુલ 22624 જેટલી મિલકતોને સીલ કરી દીધી છે. સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ 5441 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. ઓઢવમાં આવેલા આદર્શ એસ્ટેટ, અભિશ્રી એસ્ટેટ, બિલેશ્વર એસ્ટેટ, હાથીજણ હરિકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, નિકોલ પંચમ મોલ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો- એસ્ટેટને સીલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેકસની વસૂલાત કરવામાં આવી રહી છે. મિલકત સીલીંગ ઝુંબેશ કરાતા રૂ.14.35 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ હતી.જેમાં પશ્ચિમ વિસ્તારમાંથી 8 કરોડથી વધુની આવક થઈ હતી. જો આગામી દિવસોમાં મિલકત ધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો તેમના પાણી અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એએમસીના કમિશનર દ્વારા તાજેતરમાં રિવ્યુ બેઠકમાં ટેક્સ વિભાગને કડક સુચના આપી હતી કે, જે પણ મિલકત ધારકોના ટેક્સ બાકી હોય તેમને નોટિસ આપવામાં આવે. જો તેઓ દ્વારા ટેક્સ ન ભરવામાં આવે તો મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે.જેના પગલે શુક્રવારે મેગા સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એક સાથે વિવિધ વિસ્તારોમાં 30થી વધુ ટીમો ઉતારી અને વહેલી સવારે સાત વાગ્યાથી સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી