અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસાની સીઝનમાં કે વરસાદી વાતાવરણમાં તો ગાયો રોડ પર ટોળે વળીને બેઠી હોય છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગમાં ભ્રષ્ટાચારના કારણે ગાયો પકડવામાં આવતી ન હતી. અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહને કરેલી ટકોર બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર જાગ્યું હતું. ગઈકાલે સૌથી વધુ 111 જેટલી ગાયો શહેરમાંથી પકડીને પાંજરે પુરી હતી. હજુ પણ આ ઝૂબેશ ચાલુ રાખવામાં આવશે..
અમદાવાદ શહેરમાં રખડતી ગાયોના કારણે અનેક અકસ્માત થયા છે અને લોકોના મોત પણ થયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટકોર પહેલા રોજની 40-50 ગાયો પકડવામાં આવતી હતી. જેની સામે હવે દરરોજ 80થી 90 જેટલી ગાયો પકડી અને પાંજરે પુરવામાં આવી રહી છે. CNCD વિભાગની ટીમો વધારવામાં આવી હતી ઓક્ટોબર મહિનામાં 2529 અને નવેમ્બર મહિનામાં 1984 જેટલી ગાયો પકડીને ડબ્બે પુરવામાં વી હતી.. નવેમ્બર મહિનામાં ગત ઓક્ટોબર મહિના કરતા ઓછી ગાયો પકડવામાં આવી હતી. CNCD વિભાગ અને પોલીસના સંકલનના કારણે ગાયો પકડવામાં ઢીલાશ જણાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના વડા નરેશ રાજપૂતના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રખડતી ગાયોને પકડવા માટે દિવસ-રાત અલગ-અલગ ફિલ્ડમાં કામ કરી રહી છે જેમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સામેલ હોય છે. પરંતુ ગાયો પકડવા જતી ટીમોની પાછળ આવતા પશુપાલકોની સંખ્યા પણ વધારે હોય છે જેમાં તેઓને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા જરૂર પડે છે. પરંતુ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે હોતા નથી. ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ ઘાસચારો વેચાય છે, જેને દૂર કરવાની અને તેમની સામે કાર્યવાહી કરવાની કામગીરી જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવાની હોય છે, પરંતુ પોલીસ દ્વારા આવા જાહેરમાં ઘાસચારા વેચતા લોકો સામે કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી ગાયો રસ્તા ઉપર ઊભી હોય છે.