Site icon Revoi.in

પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી કરવેરા સામે ઝૂંબેશ, 17 દુકાનો સીલ, 3.50 લાખની વસુલાત

Social Share

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા કેટલાક મહિનાથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. આથી બાકીવેરાની વસુલાત માટે ઝૂંબેશ આદરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાયે બાકી વેરો ન ભરનારા સામે સિલિંગ અને પાણીના કનેક્શનો કાપવા સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે એક કોમ્પલેક્સમાં બાકી વેરો હોય તેવી 17 જેટલી દુકાનો પાલિકાએ સીલ કરી હતી. પાલિકા દ્વાર સ્થળ પર જ સાડા ત્રણ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા બાકીવેરાની વસૂલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન બાકી વેરો ન ભરતાં 17 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના બિન રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાઉસટેક્સ ન ભરતા મિલ્કતધારકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલા શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં બિન રહેણાંકની કુલ 17 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. તેમજ સ્થળ ઉપરથી 3 લાખ 54 હજારની વસુલાત કરવામાં આવી છે.

પાલનપુર નગરપાલિકાના ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાને નોટિસ આપવામાં આવી હતી. 17 દુકાનોવાળાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા એમની દુકાનોને સીલ મારવામાં આવ્યો હતા, અને સ્થળ પરથી 3 લાખ 54 હજાર વસુલ કરવામાં આવી હતી. કોમર્શિયલ મિલ્કતોને સીલ મારવામાં આવે છે. જ્યારે રહેણાંકની મિલ્કતોને બાકી વેરાની ઉઘરાણી માટે પાણીના કનેક્શનો પણ કાપવામાં આવશે. રહેણાકની મિલ્કતોમાં પણ લાખો રૂપિયાનો વેરો બાકી બોલે છે. વારંવાર નોટિસો આપવા છતાંયે લોકો વેરો ભરતા નથી. એટલે નાછૂટકે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.