Site icon Revoi.in

અંબાજીમાં ટેક્સ ન ભરનારા પ્રોપર્ટીધારકો સામે ઝૂંબેશ, 800 જેટલા બાકીદારો સામે કડક કાર્યવાહી

Social Share

અંબાજીઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો આર્થિક તંગીનો સામનો કરી રહી છે. તેથી વર્ષોથી બાકી ટેક્સધારકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. અંબાજીમાં 800થી વધુ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકીદારોને નોટિસ ફટકારી મિલકત પણ સીલ કરી વેરા વસુલાત કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અનેક બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.  છેલ્લા કેટલાય સમયથી વેરો ન ભરનારા દુકાનદારો વેપારીઓ તેમજ અન્ય લોકો સામે મિલકતો સીલ કરી વેરા વસુલાત કરવામાં આવી રહ્યો છે. જેમાં 800 થી વધુ બાકીદારોની સામે કાર્યવાહી કરાઈ રહી છે. આઠ કરોડથી વધુ રકમનો વેરો બાકી હોય અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા બાકીદારો પણ ફડફડાટ ફેલાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અંબાજી ગ્રામ પંચાયતના વહિવટદાર દ્વારા એક મહિનાથી વેરા બાકીદારોને નોટિસો આપી લાઉડ સ્પીકરની સાથે રિક્ષા ફેરવી તમામ બાકીદારોને સૂચિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ બાકીદારોએ વેરો ના ભરતા  ગ્રામ પંચાયત દ્વારા મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે.  બાકીદારો દ્વારા વેરો ભરતા દુકાનોના સીલ ખોલી દેવાયા હતા. જોકે આ કાર્યવાહી બાદ વ્યાપારીઓ તેમજ લોકોએ વેરા ભરવાની શરૂઆત કરી હતી.  અંબાજી ગ્રામ પંચાયતમાં 40 લાખ જેટલાં વેરા વસુલાત થઈ છે. અને અન્ય ચેકો દ્વારા પણ લોકોએ વેરો આપવા માટેની કામગીરી હાથ ધરી છે.  જોકે હજુ પણ જે બાકીદારો છે . તે વેરો નહિ ભરે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી હાથ ધરી મિલકતો સીલ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ સામે વેપારીઓ અંબાજી ગ્રામ પંચાયત સામે આક્ષેપો પણ કરી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે નાના નાના લોકોને વેપારીઓને હેરાન કરવામાં આવે છે. જ્યારે મોટા બાકીદારો છે જેઓની મોટી વેરા વસૂલાત છે. તેમને નજીવી રકમ લઈને સંતોષ માનવામાં આવી રહ્યો છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તા ગટર પાણી જેવી સમસ્યાઓની યોગ્ય કાર્યવાહી કરાતી નથી અને વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવતા હોવાનો વેપારીઓએ આક્ષેપ કરી રહ્યા છે.