Site icon Revoi.in

વ્યાજખોરો સામેનું અભિયાન એક–બે મહિના માટે નથી, લાંબી લડાઇ છે: હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા, ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે.  વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સુચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક – બે  મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં (1) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (2) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (3) પી.એમ.સ્વનિધિ યોજના (4) કિસાન સાથી યોજના (5) પર્સલન લોન યોજના (6) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (7) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (8) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (9) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (10) માનવ કલ્યાણ યોજના (11) ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે.  ફકત વર્ષ-2023માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે, તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી પોલીસ દ્વારા 33 જિલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 21,978  લોકોને રૂ.262 કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે.

સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે. તા.21/06/2024 થી તા.31/07/2024 સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ-1648 લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં 74848  લોકો હાજર રહ્યા હતા.

#LoanMela #AntiUsuryDrive #GujaratGovernment #FinancialRelief #StateInitiatives #LoanSchemes #PublicMeetings #GovernmentSupport #DebtRelief #UsuryAction #LoanDistribution #GujaratUpdates #FinancialAssistance #CitizenSupport #GovernmentPrograms #LoanEvent