Site icon Revoi.in

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લીધે રોડના ફુટપાથ પરના લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ

Social Share

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. ત્યારે હવે ગાંધીનગર  મ્યુનિ.કોર્પોરેશનના વિસ્તારમાં દબાણ શાખાને વાઈબ્રન્ટ સમિટને લઈને જ રસ્તાઓ પરના દબાણો દુર કરવાનું શુરાતન ચડ્યુ છે. વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવવાના છે. મહેમાનો ગાંધીનગરની છાપ સારી લઈને જાય તે માટે રોડ-રસ્તાઓ સાફ સુથરા, દબાણો વિનાની ફુથપાથો, વગેરે પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આથી મ્યુનિ.ના દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી આગામી 15 ડિસેમ્બર સુધી ચાલશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના સેક્ટર-21માં રોડ પરના 100થી વધુ દબાણો, લારી ગલ્લા હટાવાયા હતા. જેમાંથી 15 લારીઓ અને 25 ટેબલ જપ્ત કરાયા હતા. બે આઈશર, એક જેસીબી, 8 મજૂર, છ પોલીસ કર્મચારીઓ અને વન વિભાગની ટીમના સહકારથી દબાણ શાખાએ કામગીરી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન વન વિભાગના એક કર્મચારીને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સિવિલ લઈ જવાયો હતો. જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી આરામ કરવા સલાહ આપી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સેક્ટર-21થી શરૂ થયેલી દબાણ ઝુંબેશ આગામી સમયે કોઈપણ સ્થળે હાથ ધરાશે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના  વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળેલો છે. તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. ત્યારે હવે વાઈબ્રન્ટ નજીક આવતા જ મ્યુનિની દબાણ શાખા સફાળી જાગી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસ બંદોબસ્ત સાથે સેક્ટર-21માંથી શરૂ થયેલી કામગીરી આગામી સમયે સેકટર – 24, સેકટર – 22, સરગાસણ, રાયસણ પીડીપીયુ રોડ, કુડાસણ સહિતના દરેક વિસ્તારોના દબાણ હટાવાશે. હાલમાં તો શહેરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે નાના વેપારીઓમાં રોષ જોવા મળે છે. વાઈબ્રન્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી દબાણો વધે નહીં તેની પણ ખાસ તકેદારી રખાશે.