શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે શું ભારત કચ્ચાતિવુ ટાપુને શ્રીલંકા પાસેથી પાછો લઈ શકે છે.
કચ્ચાતિવુ 285 એકરમાં ફેલાયેલો છે. 1974 સુધી બંને દેસ આ ટાપુનું પ્રશાસન સંભાળી રહ્યા હતા. બાદમાં જ્યારે પ્રશાસનને લઈને બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો, તો 1974થી 1976ના સમયગાળામાં ભારત અને શ્રીલંકાની વચ્ચે સીમા સમજૂતી થઈ. બંને દેશોએ ચાર સામુદ્રિક સીમા સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા અને તેના પરિણામ સ્વરૂપ કચ્ચાતિવુ શ્રીલંકાને આધીન ચાલ્યો ગયો.
તમિલનાડુના ભાજપ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર કચ્ચાતિવુ ટાપુને ફરીથી ભારતમાં સામેલ કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ આ કામ એટલું આસાન નથી. 2014માં જ્યારે કચ્ચાતિવુનો મામલો ઉઠયો હતો, તો ભૂતપૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ટાપુને યુદ્ધ વગર પાછો લઈ શકાય નહીં. તેમણે કહ્યુ હતુ કે કચ્ચાતિવુ 1974માં થયેલી એક સમજૂતી હેઠળ શ્રીલંકામાં ગયો હતો. આજે તેને પાછો કેવી રીતે લઈ શકાય છે? જો તમારે કચ્ચાતિવુને પાછો લેવો છે, તો તેને મેળવવા માટે યુદ્ધ કરવું પડશે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ, બંને દેશોએ યુએનસીએલઓએસ એટલે કે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ધ સી હેઠળ 70ના દાયકાની સમજૂતીને નોટિપાઈ કરી હતી. માટે મામલામાં એકતરફી નિર્ણય લેવાની સંભાવના નથી. એટલે કે શ્રીલંકાની સંમતિ વગર ભારતને કચ્ચાતિવુ મળવું શક્ય નથી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મામલામાં પર મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે આપણે એક ઉકેલ શોધવાની જરૂરત છે. આપણે શ્રીલંકાની સરકાર સાથે આના પર કામ કરવું પડશે. જો કે ધ ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેના મંત્રીમંડળમાં સામેલ મંત્રી જીવન થોંડામને સ્પષ્ટ કહ્યુ છે કે કચ્ચાતિવૂ ટાપુ શ્રીલંકાની નિયંત્રણ રેખાની અંદર આવે છે. તેમણે કહ્યુ છે કે શ્રીલંકાની સાથે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ સજીવ અને સ્વસ્થ છે. હજી સુધી ભારત તરફથી કચ્ચાતિવુ ટાપુને પાછો આપવા માટે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો આવી કોઈ માંગ થાય છે, તો વિદેશ મંત્રાલય તેનો જવાબ આપશે.
મીડિયા અહેવાલ મુજબ, એક અન્ય શ્રીલંકન મંત્રીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ છે કે નવી સરકારની ઈચ્છા પ્રમાણે રાષ્ટ્રીય સીમાઓનું પરિવર્તન થઈ શકે નહીં. તેમણે કહ્યુ છે કે એકવાર સીમા નક્કી થઈ ગયા બાદ માત્ર સરકાર બદલવાના કારણે કોઈપણ પરિવર્તનની માગણી કરી શકે નહીં.