નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી.
અહેવાલો અનુસાર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકારે પુષ્ટિ કરી છે કે નિજ્જરની હત્યા સાથે સંબંધિત મામલાની માહિતી અમેરિકન મીડિયાને લીક કરવામાં આવી હતી. નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાને આ હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યો હતો. ટ્રુડોના આ આરોપ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. તાજેતરમાં, કેનેડિયન પોલીસે આરોપ મૂક્યો હતો કે ભારતીય એજન્ટો ગેંગસ્ટરોની સાથે મળીને કેનેડામાં લોકોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ફરીથી તંગ બન્યા હતા. આ પછી ભારતે આકરી પ્રતિક્રિયા આપી અને છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.
હવે ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રુઇને કેનેડાની પબ્લિક સેફ્ટી કમિટીને નિજ્જર કેસની માહિતી લીક કરવા અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી માહિતી ગોપનીય ન હોય ત્યાં સુધી તેમને વડાપ્રધાનની પરવાનગી લેવાની જરૂર નથી. નતાલીએ કહ્યું કે અમેરિકન મીડિયાને કોઈ ગુપ્ત માહિતી આપવામાં આવી નથી અને આ માહિતી આપવાનો હેતુ માત્ર અમેરિકાની સામે કેનેડાનો પક્ષ રજૂ કરવાનો હતો અને તે જણાવવાનો હતો કે ભારત તેમની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પર ગોપનીય માહિતી લીક કરવાનો આરોપ છે. કેનેડિયન મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે, તેણે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે જે માહિતી તેણે અમેરિકન મીડિયાને આપી હતી, તે જ માહિતી તેણે સંસદમાં વિપક્ષના નેતાને પણ આપી હતી.