નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરી છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, ‘ખાલિસ્તાની આતંકીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.’
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.
ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારત વિરોધી તત્ત્વોએ ‘ઈરાદાપૂર્વક’ હિંસા કરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ. ભારતીય સમુદાય છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હિંદુ મંદિરો અને સમુદાયના સભ્યોને નિશાન બનાવવાથી ચિંતિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ગ્રેટર ટોરોન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં અન્યત્ર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં એક વર્ષથી વધુ સમયથી તિરાડ પડી છે ત્યારે ત્યાં વસતા ભારતીયો ખુબ જ ચિંતિત છે. ત્યાં student વિસા પર ગયેલા ગુજરાતીઓ પણ ખુબ ચિંતિત છે. તો અહી તેમના વાલીઓ ચિંતામાં છે. બેરોજગારી, ઊંચા મકાન ભાડા ની વચ્ચે student વિસા માં કાપ અને ત્યારબાદ હવે અસલામતી નો ભય ભારતીયોને કેનેડામાં સતાવી રહ્યો છે. જસ્ટીન ત્રુડો વોટબેંક ની રાજનીતિને લઇ ખાલિસ્તાનીઓને છાવરે છે તેવો પણ આક્ષેપ ત્રુડો સરકાર પર લાગી રહ્યો છે. ત્યારે અત્યારની સ્થિતિ જોતા ભારતીયો માટે હજુપણ કપરા ચડાણ કહી શકાય.