ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ પુરાવા તેમની પાસે નથી.
કેનેડા સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરના રોજ, કેનેડામાં સુરક્ષાના જોખમના જવાબમાં, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને સત્તાવાળાઓએ ભારતીય એજન્ટો દ્વારા કેનેડામાં કથિત રૂપે આચરવામાં આવેલા ગુનાઓના જાહેરમાં આક્ષેપો કર્યા હતા. પરંતુ કેનેડાની સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે વડાપ્રધાન મોદી, મંત્રી જયશંકર કે NSA ડોભાલ આ ગુનાઓમાં સામેલ હતા. આવા કોઈપણ આરોપ ખોટા અને પાયાવિહોણા છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાની સરકાર પાસે વડાપ્રધાન મોદી, મંત્રી જયશંકર અથવા NSA અજીત ડોભાલ કેનેડાની અંદર કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી અને ન તો તે જાણતી છે. ટ્રુડો સરકારનું આ સ્પષ્ટીકરણ કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલના દાવા બાદ આવ્યું છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિજ્જરની હત્યાનું કથિત કાવતરું ભારતના ટોચના નેતાઓએ ઘડ્યું હતું.
શું છે મામલો
કેનેડાના સરકારી સ્ત્રોતને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત સિંહને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જાણ હતી. ડોભાલ પણ આ વિશે જાણતા હતા.
જો કે ભારતે આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ કેનેડાનું ‘ભારતને બદનામ કરવાની ઝુંબેશ’ છે.