Site icon Revoi.in

ધો.7ની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની રદ કરાયેલી પરીક્ષા હવે 29-30 એપ્રિલ લેવાશે

ફાઈલ ફોટો

Social Share

ગાંધીનગરઃ શાળામાંથી પરીક્ષાના પ્રશ્નપત્રોના બંડલો તસ્કરો ઉઠાવી જાય તેવો બનાવ ગુજરાતમાં કદાચ પ્રથમ હશે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થવાની ઘટના બની હતી. પ્રશ્નપત્રના બંડલોની ચોરી થતાં 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ-7ની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને 25 થી 28 એપ્રિલ દરમિયાન યોજાનાર પરીક્ષા તે દિવસે જ યોજાશે. જ્યારે 22 અને 23 એપ્રિલે યોજાનારી પરીક્ષા હવે 29 અને 30મી એપ્રિલના રોજ યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા પરિપત્ર કરીને તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે. ધોરણ-7ની 22 અને 23 તારીખે યોજાનારી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 29 અને 30 એપ્રિલે યોજાશે. ઉપરાંત 25 થી 28 એપ્રિલે યોજાનારી પરીક્ષા નવા પ્રશ્નપત્રો સાથે યોજાશે. બીજી તરફ પેપર ચોરીની ઘટના બાદ તમામ શિક્ષકોને સૂચના આપવાની રહેશે કે તેઓ પાસે જે સીલબંધ પ્રશ્નપત્રો છે તેને સ્કૂલમાં રાખવાને બદલે શિક્ષકો પોતાના ઘરે રાખે અને જે દિવસે પરીક્ષા હોય તે દિવસે પ્રશ્નપત્રો સ્કૂલે લઈને જાય. આમ હવે પ્રશ્નપત્રો સાચવવા માટે શિક્ષકોને રાતના ઉજાગરા કરવા પડશે.

શિક્ષણ વિભાગની સૂચના અનુસાર, તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ હતી. આ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7ની પરીક્ષા યોજવાની રહેશે. હાલમાં ભાવનગર LCB સહિત પોલીસકાફલો નેસવાડ સ્કૂલમાં તપાસ માટે પહોંચી ગયો છે.