Site icon Revoi.in

ધો.9થી 12ની શાળાઓમાં શિક્ષકોની 7000 ખાલી જગ્યાઓ ભરવા ટાટ ઉમેદવારોની રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયા ઝડપી થાય અને શિક્ષણ વિભાગ ઝડપી નોટિફિકેશન જાહેર કરે તે માટે ટાટના ઉમેદવારોએ  શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી હતી. ઉમેદવારોની માંગણી છે કે, ધોરણ 9થી 12માં ખાલી પડેલી 7 હજાર શિક્ષકોની જગ્યા પર સત્વરે ભરતી કરવી જોઈ.  છેલ્લા એક વર્ષથી ઉમેદવારો શિક્ષણ વિભાગને સતત રજૂઆતો કરે છે, છતાંય હજી સુધી ભરતી કરવામાં આવી નથી  ઘોરણ 9થી 12માં છેલ્લે 2018માં ભરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભરતીના નિયમોમાં સુધારા થયા પણ હજી સુધી ધોરણ 9થી 12ની ભરતી માટેનું નોટિફિકેશન ન થતાં ભરતી થઇ શકતી નથી. સરકારને પણ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કોઈ રસ હોય એવું લાગતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગત વિધાનસભામાં તત્કાલિન  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ધોરણ 9થી 12માં ખાલી પડેલી જગ્યાની માહિતી રજૂ કરવામાં આવી હતી. સરકારે આ પદો પર ભરતી કરવાની બાહેધરી પણ આપી હોવા છતાં હજી સુધી ભરતી કરવામાં આવી નથી, ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોએ  ટાટ ભરતી  સત્વરે કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી હતી. જ્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવામાં આવી હતી. પણ માત્ર આશ્વાસન મળ્યું છે. કેટલા સમયમાં ભરતી કરાશે તેની કોઈ તારીખ આપવામાં આવી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 2018-19મા શિક્ષક સહાયકની ભારતી કરવામાં આવી હતી. આ ભરતીમાં 100 ઉમેદવારોએ 20 ઉમેદવાર વેઈટિંગનો નિયમ અમલી બનાવામાં આવ્યો હતો. આ નિયમનો ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. જો કે, સરકારે ઉમેદવારોને બાંહેધરી આપી હતી કે, જૂન-જુલાઇ 2021માં નવી ભરતી કરવામાં આવશે. 100 ઉમેદવારોએ 20 ઉમેદવારના વેટિંગના નિયમને લીધે જાહેર કરેલી જગ્યાઓ પણ ખાલી રાખવામાં આવી હતી. જેથી હજારો ઉમેદવારો મેરિટમાં હોવા છતાં નિયમને નિર્મિત બનાવી જગ્યાઓ ખાલી રાખવામાં આવી હતી. ટાટ ઉમેદવારોના કહેવા મુજબ  સરકારી ઉચ્ચત્તર અને માધ્યમિક શાળામાં 756 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498, સરકારી માધ્યમિક શાળામાં 730, ગ્રાન્ટેડ માધ્યમિક શાળામા 2547 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોની માંગણી છે કે, ખાલી પડેલી જગ્યા  ટેટની જેમ ભરતી કરવામાં આવી તે રીતે ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે. કારણ કે ભરતી ન થવાના કારણે કેટલાંય ટાટ ઉમેદવારોની વય મર્યાદા પણ પુર્ણ થવા જઇ રહી છે.