Site icon Revoi.in

ગુજરાતમાં 34506 શિક્ષકોની ઘટ પુરવા સત્વરે ભરતી કરવાની ટેટ અને ટાટના ઉમેદવારોએ કરી માગ

Social Share

ગાંધીનગરઃ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34506 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે શિક્ષકો નિવૃત થતાં હોવાથી ખાલી જગ્યાઓ વધતા જાય છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવા ટેટ અને ટાટના ઉમેદવારોએ માગણી કરી છે.

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 34506 જેટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવાને બદલે 11 મહિનાના કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે.  તત્કાલિન સમયે જ્ઞાન સહાયકોની ભરતીના વિરોધમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અનેક કાર્યક્રમો કરવા છતાં રાજ્યનું શિક્ષણ વિભાગ ટસનું મસ થયું નહોતુ. આથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂ્ંટણીમાં વિરોધ કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. પરંતુ લોઅર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી વિદ્યાસહાયકોની ભરતીની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આથી આવી જ રીતે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યો તેમજ વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી ભરતીની કામગીરી શરૂ કરવામાં આવે તેવો આશાવાદ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં ઉભો થયો છે.

નવા શૈક્ષણિક વર્ષના પ્રાંરભ પહેલાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 34506 જગ્યાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજુઆત સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી. ઉપરાંત વધુને વધુ ઉમેદવારોનું શિક્ષણ બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે ક્રમિક ભરતી કરવામાં આવે તેવી અપેક્ષા ઉમેદવારોએ વ્યક્ત કરી હતી. કેમ કે ગત વર્ષ-2017 પછી ગત વર્ષ-2023માં ટેટ અને ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. આથી અન્ય ઉમેદવારોને અન્યાય થાય નહી તે મુજબ શિક્ષકોની કાયમી ભરતીનું આયોજન કરવામાં આવશે તેવો આશાવાદ ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો.