Site icon Revoi.in

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

Social Share

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી જાહેર કરાઈ હતી. હાલ મેદાન પર પુરુષ અને મહિલા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ એવી દોડ માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે ભરતીના નિયમોમાં કરાયેલા ફેરફારને લઈ ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે. 25 મિનિટમાં 5 કિમિ. દોડ પૂર્ણ કરનાર પુરુષ ઉમેદવારો અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે, જેનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.

પોલીસ ભરતીની પરીક્ષા આપનારા ઉમેદવારોના કહેવા મુજબ અગાઉ દોડમાં પાસ થનારા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ નહોતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો. જો કે આ વખતે યોજાનારી ભરતીમાં કુલ જગ્યા કરતા 15 ગણા ઉમેદવારોને જ દોડમાં પસંદ કરી આગામી લેખિત કસોટી માટે પસંદગી કરાશે તેવો નિર્ણય લેવાયો છે.  ભરતીની જગ્યા સામે 15 ગણા ઉમેદવારોને જ શારીરિક કસોટી બાદ મેરીટમાં લેવાશે.  ઉમેદવારોનું કહેવું છે કે, આવું ના હોવું જોઈએ, શારીરિક કસોટીમાં જે સમય નિશ્ચિત કરાયો છે એ સમયમાં જે પણ પાસ થાય છે એમને લેખિત કસોટી માટે તક આપવી જોઈએ. માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનારા તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે.  જે પુરુષ ઉમેદવાર 20 મિનિટમાં દોડ પૂર્ણ કરશે તેમને 50 માર્ક આપવામાં આવશે. એ જ રીતે મહિલા ઉમેદવારોમાં જે 8 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરશે એમને 50 માર્ક આપવામાં આવશે, ત્યારે 15 ગણા જ ઉમેદવાર લેવાનો કોઈ તલબ નથી. માર્કિંગ સિસ્ટમ ભરતી બોર્ડ દ્વારા બનાવાઈ છે, તો જે તે સમયમાં જે દોડ પૂર્ણ કરશે એમનો એ જ રીતે મેરિટમાં સમાવેશ થવાનો છે તો ક્રાઇટેરિયા મુજબ નિશ્ચિત સમયમાં જે દોડ પુરી કરે તેમને તક આપવી જ જોઈએ.

ઉમેદવારોએ એવી રજુઆત કરી છે કે, કોરોનાને કારણે અમારી પ્રેક્ટિસમાં વિક્ષેપ પડ્યો હતો. પરંતુ ફરી એકવાર અમે સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.  હવે આ ભરતી ઝડપથી કોઈ વિવાદ વગર પુરી કરવામાં આવે. તો કેટલાક ઉમેદવારોએ કહ્યું કે ભરતી બોર્ડ દ્વારા જે જાહેરાત કરાઈ હતી એ મુજબ અમે સતત ઓછામાં ઓછા સમયમાં દોડ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ 15 ગણાના નિયમથી હોશિયાર ઉમેદવારો સાથે અન્યાય થશે.