Site icon Revoi.in

વિદ્યાસહાયકનાં ફોર્મ ભરાયા બાદ પ્રોવિઝનલ મેરીટ પ્રસિદ્ધ ન કરાતા ઉમેદવારો દ્વિધામાં મુકાયાં

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા સમયથી ટેટ પરીક્ષા ઉતિર્ણ કરેલા વિદ્યાર્થીઓ વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાજ્ય સરકારે વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરતા રાહત થઈ હતી.ધોરણ-1થી 8માં 3300 વિદ્યાસહાયકોની ભરતી માટે ફોર્મ સ્વીકાર્યા બાદ પ્રોવિઝન મેરીટ યાદી પ્રસિદ્ધ નહી કરતા ઉમેદવારોની મુંઝવણમાં વધારો થયો છે. વિદ્યાસહાયકના ફોર્મ સ્વીકારવાની ગત તારીખ 18મી, ફેબ્રુઆરી-2022ના રોજ અંતિમ તારીખ હતી. એટલે 20 દહાડા વીતિ ગયા હોવા છતાં હજુ પ્રોવિઝનલ મેરીટ જાહેર કરાયું નથી.

રાજ્યભરની ધોરણ-1થી 8ની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી અને ઘટમાં પડેલી જગ્યાઓને ભરતી માટે રાજ્યના શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. જેમાં ધોરણ-1થી 5ના ઘટ અને સામાન્ય તેમજ ધોરણ-6થી 8ની ઘટ અને સામાન્ય એમ ચાર તબક્કામાં ભરતી કરવાની જાહેરાત કરાઇ હતી. આથી નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારોના ફોર્મ સ્વીકારવા માટે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ફોર્મ સ્વિકાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ નોકરીની આશાએ વિદ્યાસહાયકના ઓનલાઇન ફોર્મ ભરીને નિયત કરેલા સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી ડોક્યુમેન્ટ પણ જમા કરાવ્યા હતા. જોકે વિદ્યાસહાયક ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ ગત તારીખ 18મી, ફેબ્રુઆરી-2022 હતી.

જોકે રાજ્યભરમાંથી વિદ્યાસહાયકના ઓનલાઇન ફોર્મ સ્વિકાર્યા બાદ તેની ચકાસણી કરીને નિયત કરેલા નિયમોનુંસાર મેરીટ યાદી પ્રસિદ્ધ કરાશે તેવી આશા ઉમેદવારોને હતી. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી વેબસાઇટ ઉપર વિદ્યાસહાયકની ભરતીનું પ્રોવિઝનલ (પ્રાથમિક) મેરીટ યાદી પ્રસિદ્ધ કરી નથી. આથી ભરતીની કામગીરી વિલંબમાં પડે તેવી દહેશત ઉમેદવારોએ વ્યક્ત કરી છે. કેમ કે એપ્રિલ માસમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાથી આદર્શ આચારસંહિતાના કારણે ભરતી પ્રક્રિયા અટકશે. આથી પ્રોવિઝનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી ઉમેદવારોમાં માંગ ઉઠી છે. (file photo)