અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારનારી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેમણે ગુજરાતમાં આપના વિસ્તરણની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાતને દિલ્હીથી અલગ વિકાસના મોડેલનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ કરી હતી.
અમદાવાદમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં તમામ બેઠકો ઉપર આપના ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોના મુદ્દા ઉપર રાજનીતિ કરશે. તેમજ ઉમેદવારો પણ ગુજરાતના જ ઉભા રાખવામાં આવશે. ગુજરાતની જે હાલત છે તે ભાજપ અને કોંગ્રેસના કારણે થઈ છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક પાર્ટીની સરકાર છે. જે ભાજપ અને કોંગ્રેસની દોસ્તીની કહાની છે. ગુજરાતમાં કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર હોય તો કોંગ્રેસ પુરુ પાડે છે. અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં પાર્ટીના કાર્યાલયને ખુલ્લુ મુક્યું હતું. આ દરમિયાન પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યાં હતા. તેમજ સુરતમાં સૌથી વધારે ઉમેદવારો વિજ્ય બન્યાં હતા. સુરતમાં વિપક્ષના નેતા પણ આમ આદમી પાર્ટીના છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને મળલા પ્રતિભાવથી કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.