નવી દિલ્હીઃ સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયાના નિયમોના નામલે સુપ્રીમ કોર્ટમાં પીટિશન થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે ચુકાદો જાહેર કરતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ તેમાં ફેરફાર કરી શકાય નહીં.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદેસર ગણાશે. કોર્ટનું કહેવું છે કે નિયમોમાં ફેરફારની અસર આવનારી ભરતીઓ પર લાગુ થઈ શકે છે, તેની વર્તમાન અથવા ચાલુ ભરતી પર કોઈ અસર ન થવી જોઈએ.
આ ચુકાદા પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે. 2013માં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન રાજ્ય સરકારે વચ્ચે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર એવા ઉમેદવારોને જ નિમણૂક માટે લાયક ગણવામાં આવશે જેમણે લેખિત અને મૌખિકમાં 75 ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય. આ નિર્ણય એવા ઉમેદવારો પર લાગુ કરવામાં આવ્યો જેઓ પરીક્ષા આપી ચૂક્યા હતા, જેના કારણે ભરતી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થઈ હતી.