કેપ્ટાઉન ટેસ્ટઃ મોહમ્મદ સિરાઝની ધાતક બોલીંગને પગલે આફ્રિકા ટીમ પ્રથમ ઈનીંગમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સિરિઝની અંતિમ અને મહત્વની ટેસ્ટમેચનો આજથી કેપ્ટાઉનમાં પ્રારંભ થયો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ડીન અલ્ગરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જો કે, ભારતીય ટીમના પેસ બોલર મોહમ્મદ સિરાઝની બોલીંગ સામે આફ્રિકન ટીમ સામે લાંબુ ટકી શક્યા ન હતા. સિરાઝએ એક પછી એક વિકેટ લેવાનું શરુ કરતા જ આફ્રિકન ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સિરાઝ સહિતના ભારતીય બોલરોની ઘાતક બોલીંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનીંગમાં માત્ર 55 જ રન બનાવીને પેવેલીયન પરત ફરી હતી.
ભારતીય બોલર મોહમ્મદ સિરાઝે 9 ઓવરમાં માત્ર 15 રન આપીને છ વિકેટ ઝડપી હતી. એડન માર્કરમ, ડીન અલ્ગર, ટોની ડી જોરીજી, ડેવિડ બેડિંધમ, કાઈલ વેરિયન અને માર્કો જોનસેનની વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમે માત્ર 15 રનમાં જ 4 વિકેટ ગુમાવી હતી. જ્યારે 34ના સ્કોર ઉપર પાંચમી વિકેટ પડી હતી. એ બાદ સમગ્ર ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી સૌથી વધારે વેરિયને 15 અને બેડિંધમએ 12 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત અન્ય કોઈ બેસ્ટમેન ડબલ ડીજીટમાં પહોંચી શક્યો ન હતો.
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે આફ્રિકાની ટીમનો એક ઈનીંગમાં આ સૌથી ખરાબ સ્ટોર છે. આ પહેલા આફ્રિકાએ ભારત સામે નવેમ્બર 2015માં રમાયેલી નાગપુર ટેસ્ટમાં 79 રન બનાવ્યા હતા. આ મેચમાં અશ્વિને પ્રથમ ઈનીંગમાં પાંચ અને બીજી ઈનીંગમાં સાત વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાની ધરતી ઉપર પણ આ સૌથી ઓછો સ્કોર છે. વર્ષ ડિસેમ્બર 2006માં જ્હોનીસબર્ગમાં રમાયેલી ટેસ્ટમાં માત્ર 84 રન બનાવ્યાં હતા. તે મેચમાં પેસ બોલર શ્રીસંતએ પ્રથમ ઈનીંગમાં પાંચ અને બીજી ઈનીંગમાં 3 વિકેટ ઝડપી હતી.
(PHOTO-BCCI)