Site icon Revoi.in

ગાંધીનગરમાં 1275 ભયજનક મકાનો ખાલી કરવા માટે પાટનગર યોજના વિભાગે આપી ચેતવણી

Social Share

ગાંધીનગરઃ શહેરમાં 15 સેક્ટરોમાં 1275 જેટલા મકાનો ભયજનક છે. ચોમાસુ નજીક છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે પાટનગર યોજના વિભાગે મકાનના તમામ કબજેદારોને તાત્કાલિક મકાનો ખાલી કરવાની ચેતવણી આપી છે. અગાઉ પણ ભયજનક મકાનોના કબજેદારોને નોટિસો ફટકારનામાં આવી હતી. પણ કબજેદારો સરકારી ક્વાર્ટર્સ ખાલી કરતા નથી, હવે ત્વરિત ક્વાટર્સ ખાલી કરવામાં નહીં આવે તો આકરા પગલા ભરવાની ચેતવણી આપવામાં આવી છે.

પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વિવિધ સેક્ટરો જેમાં સેક્ટર-6 માં કુલ-51 આવાસ, સેક્ટર-7 માં કુલ-132 આવાસ,સેક્ટર-12 માં કુલ-15 આવાસ, સેક્ટર-13 માં કુલ-7 આવાસ, સેક્ટર-16માં કુલ-38 આવાસ, સેક્ટર-17 માં કુલ-73 આવાસ, સેક્ટર-19 માં કુલ-2 આવાસ, સેક્ટર-20 માં કુલ-94 આવાસ, સેક્ટર-21 માં કુલ-138 આવાસ, સેક્ટર-22 માં કુલ- 177 આવાસ, સેક્ટર-23 માં કુલ-153  આવાસ, સેક્ટર-24 માં કુલ-20 આવાસ, સેક્ટર-28 માં કુલ-155 આવાસ, સેક્ટર-૨૯ માં કુલ-160  આવાસ, સેક્ટર-30 માં કુલ-60 આવાસ, આમ કુલ 1275  ભયજનક/જર્જરીત જાહેર કરેલ સરકારી આવાસોમાં રહેતા વસાહતીઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ, જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સદરહું ભયજનક આવાસ ખાલી કરવા બાબતે વખતોવખત નોટીસ આપવામાં આવેલ છે. રહેવાસીઓને વૈકલ્પિક આવાસોની ઉપલબ્ધતા મુજબ આવાસ ફાળવવામાં આવેલ હોય કે ન હોય, તેમના કબજા હેઠળનું ભયજનક આવાસ તાકીદે ખાલી કરવા ચેતવણી આપવામાં આવે છે.

જો ભયજનક/જર્જરીત આવાસ ખાલી કરવામાં નહી આવે તો જે-તે કબજેદાર સામે સરકારના નિયમોનુંસાર તેઓ વિરૂધ્ધ “ગુજરાત પબ્લિક એન્ડ પ્રિમાઇસીસ (ઇવિક્શન ઓફ અન ઓથોરાઇઝડ ઓક્યુપન્ટ) એક્ટ, ૧૯૭૨” હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા ભયજનક આવાસોમાં કોઇ પણ વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી, વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહી, તેમજ આવા ભયજનક જણાતા આવાસની આસપાસ અવર-જવર કરવી નહી તથા આજુ બાજુ આવાસોના ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પૂરતી કાળજી રાખવી.  સદર ભયજનક આવાસમાં રહેતા વસાહતીઓને કોઇ પણ જાનમાલનું નુકશાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી આવા આવાસોના કબજેદાર/સબંધિત હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે. જેની તમામે ગંભીર નોંધ લેવી. વધુ આ બાબતે GPMC એક્ટ મુજબ સરકારી આવાસો ખાલી કરવા બાબતેની કાર્યવાહી હાથ ધરવા કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાને યાદી સોંપેલ છે.