કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની ભાજપમાં થશે સામેલ, પટિયાલાથી લડશે ચૂંટણી
ચંદીગઢ: ભાજપના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની પરનીત કૌર ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમના પુત્રી જય ઈંદર કૌરે મંગળવારે આ વાતના સંકેત આપ્યા હતા. તેમને જ્યારે લોકસભા ચૂંટણી લડવાને લઈને સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે હું નહીં, મારા માતા પરનીત કૌર પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ જલ્દી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે મારો વારો કદાચ આગામી 2થી 3 વર્ષોમાં આવશે. તેમનો ઈશારો 2027માં થનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી તરફ હતો. તેઓ પહેલેથી જ મતવિસ્તારમાં કામ કરી રહ્યા છે. તેઓ ચાર વખત સાંસદ રહી ચુક્યા છે અને હજીપણ ઘણાં સક્રિય છે. તેમના પિતા અમરિન્દરસિંહ પાસેથી કોંગ્રેસે મુખ્યમંત્રી પદ છીનવી લીધું હતું. તેમના સ્થાને ચરણજીતસિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
કેપ્ટન અમરિન્દરસિંહે પહેલા પંજાબમાં પોતાની પાર્ટીની રચના કરી હતી. તેના પછી તેમણે પાર્ટીનો ભાજપમાં વિલય કર્યો હતો. તેના પછી સતત તેમના પત્નીના પણ ભાજપમાં સામેલ થવાને લઈને અટકળો લગાવાય રહી હતી. મહત્વપૂર્ણ છે કે તેમણે મહુઆ મોઈત્રા વિરુદ્ધ ગૃહમાં લાવવામાં આવેલા પ્રસ્તાવનું પણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો.
કેપ્ટન અમરિન્દરસિંહ લોકસભા ચૂંટણી માટે પંજાબમાં બનેલી ભાજપની કમિટીનો પણ ભાગ છે. તેમણે મંગળવારે નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. પંજાબમાં ભાજપનું હાલ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નથી. તેવામાં સંભાવના છે કે ભાજપ પંજાબમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે.