Site icon Revoi.in

કોંગ્રેસનો હાથ છોડ્યાં બાદ ભાજપમાં જોડાવવા નથી માંગતા કેપ્ટન

Social Share

દિલ્હીઃ પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કેપ્ટના રાજીનામાં બાદ કોંગ્રેસે ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવ્યાં હતા. તેમજ નવજોત સિંહ સિદ્ધુને પણ નવી સરકારને સમર્થન આપવા હાઈકમાન્ડે સૂચના આપી હતી. દરમિયાન સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપીને કોંગ્રેસ સામે આવરા પ્રહાર કર્યાં હતા. આમ પંજાબના રાજકારણમાં રોજ નવો-નવો વળાંક આવી રહ્યો છે.

દરમિયાન પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદ્રર સિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, કેપ્ટન અમરિંદરે ભાજપમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં કોંગ્રેસમાં પણ લાંબો નહીં રહેવાનો સંકેત આપ્યો છે. એક ટીવી ચેનલ સમક્ષ કેપ્ટને જણાવ્યું હતું કે, મને હાઈકમાન્ડે કહ્યું એટલે રાજીનામું આપ્યું હતું. હું હજુ સુધી કોંગ્રેસમાં છું પરંતુ આગળ નહીં રહીશ. જો કે, ભાજપમાં પણ જોડાવવાનો નથી.

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો છે. પૂર્વ સીએમ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચેનો ગ્રહગાજ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે વિવાદને શાંત પાડવા માટે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. જો કે, વિવાદ અટકવાને બદલે વધારે વકર્યો હતો. દરમિયાન તાજેતરમાં જ કેપ્ટનએ મુખ્યમંત્રી પદ ઉપરથી અચાનક રાજીનામું આપીને લોકોને ચોંકાવી દીધા હતા. જે બાદ સિનિયર નેતા ચરણજીતસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા.

નવી સીએમની પસંદગીને લઈને સિદ્ધુ નારાજ હોવાની ચર્ચાઓએ વેગ મળ્યો હતો. દરમિયાન સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ ગઈકાલે કેપ્ટન ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા. જેથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે, આજે કેપ્ટને આ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુક્યો છે. જો કે, હવે કેપ્ટન, સિદ્ધુ અને પંજાબ કોંગ્રેસ શુ નવી રણનીતિ અપનાવે છે તેની ઉપર તમામ લોકોની નજર મંડાયેલી છે.