જસદણઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણના વીરનગર ગામ પાસે ગત મધરાતે પૂરફાટ ઝડપે આવી રહેલી કારે પલટી ખાંતા ચાર ગોથાં ખાઈ ખેતરમાં જઈને પડી હતી. જસદણ ભજનમાં જતા ચાર મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ-ભાવનગર હાઈવે પર વીરનગર ગામ પાસે ગોળાઇમાં રાત્રે બે વાગ્યે ટાટા નેક્સોન કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, આથી કાર રોડ પર ચાર ગોથાં ખાઈ ગઈ હતી અને બાજુના ખેતરમાં ફંગોળાઈને પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેક ભાવેશભાઈ મકવાણા (ઉં.વ. 32)નું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતાં જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે 108ની દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે. આ ચારેય મિત્રો જસદણમાં યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ભાગ લેવા આવતા હતા ત્યારે વીરનગર પાસે અકસ્માત નડ્યો હતો. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે.પી. મેતા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.