પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર અને ટુ-વ્હીલરના વેચાણમાં ત્રણ ટકાનો વધારો, FADAએ જાહેર કર્યા આંકડા
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરમાં વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. જેમાં ટ્રેક્ટર સિવાયના તમામ સેગમેન્ટમાં વધારો નોંધાયો છે. કુલ મિલાવીને, એપ્રિલ-જૂનના સમયગાળામાં છૂટક વેચાણ વધીને 61,91,225 યુનિટ થયું હતું. જે નાણાકીય વર્ષ 2024 ના સમાન ત્રિમાસિક ગાળામાં 56,59,060 યુનિટ હતું. પેસેન્જર વ્હિકલ રિટેલ વેચાણ 2.53 ટકા વધીને 9,20,047 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા 8,97,361 યુનિટ હતું.
• ટુ વ્હીલરનું વેચાણ
એપ્રિલ-જૂનમાં ટુ-વ્હીલરનું છૂટક વેચાણ 45,54,255 યુનિટ રહ્યું હતું. જે એક વર્ષ અગાઉના ગાળામાં 40,46,169 યુનિટ કરતાં 12.56 ટકા વધુ છે.
• થ્રી વ્હીલરનું વેચાણ
પ્રથમ ત્રિમાસિક ગાળામાં થ્રી-વ્હીલરનું વેચાણ 11.36 ટકા વધીને 2,72,691 યુનિટ થયું હતું જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 2,44,878 યુનિટ હતું.
• કોમર્શિયલ વાહનોનું વેચાણ
કોમર્શિયલ વાહનોના છૂટક વેચાણમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જે અગાઉના 2,44,834 એકમોની સરખામણીએ 2,46,513 યુનિટ હતું.
• ટ્રેક્ટરનું વેચાણ
ટ્રેક્ટરના છૂટક વેચાણમાં 12.44 ટકાનો ઘટાડો થયો છે. જે એક વર્ષ અગાઉના 2,25,818 યુનિટથી ઘટીને 1,97,719 યુનિટ થયું છે.
વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) કહે છે કે તે વાહન રિટેલ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અને સતત વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે સમજદાર ઇન્વેન્ટરી કંટ્રોલ, વધુ સારા ફાઇનાન્સિંગ વિકલ્પો અને વ્યૂહાત્મક આયોજનની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે.