Site icon Revoi.in

કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, પાંચના મોત

Social Share

જયપુરઃ રાજસ્થાનના સિરોહી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માતમાં એક કાર કાબુ બહાર જઈને નાળામાં પડી ગઈ હતી. આ અકસ્માત સિરોહીના સરનેશ્વર જી પુલિયા પાસે થયો હતો.

સિરોહી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી કૈલાશ દાને જણાવ્યું હતું કે, કારમાં એક પરિવાર ગુજરાતથી જોધપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ હતી અને ડિવાઈડર ઓળંગીને નાળામાં પડી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા, બે પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ તમામ ફલોદીના ખારા ગામના રહેવાસી હતા.

અકસ્માતની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યારે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.