ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે
અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેથી જે તે વ્યક્તિને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
વાંચોઃ અમદાવાદમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં 51 સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ 55 હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500 થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
વાંચોઃ છાતીમાં દુઃખાવની ફરિયાદ કરનાર વાહન ચાલકનો જીવ બચાવનાર 3 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું
આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ 55,000 થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓએ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અમદાવાદ શહેરના કાલુપુર ટ્રાફિક પોલીસ ચોકી ઉપર એક સ્કુટર ચાલક આવ્યો હતો અને પોતાની છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી અહીં ફરજ પર તૈનાત પોલીસ જવાનોએ સીપીઆર આપીને વાહન ચાલકનો જીવ બચાવ્યો હતો. હાલ શહેરની શારદાબેન હોસ્પિટલમાં વાહન ચાલકની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓની કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરીજનોએ પ્રશંસા કરી હતી. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા ત્રણેય પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું.