ગ્લોબલ પ્રોફાઇલ્સના નવા ડેટા અનુસાર, વિશ્વમાં ચારમાંથી એક વ્યક્તિ તેમના અઠવાડિયાના ઓછામાં ઓછા 7 કલાક તેમના મોબાઇલ ફોન પર વિડિયો ગેમ્સ રમવામાં વિતાવે છે. ભારતમાં, 19 ટકા વસ્તી અઠવાડિયામાં 1-7 કલાક અને 11 ટકા 7-14 કલાકની વચ્ચે મોબાઈલ ગેમ રમવામાં વિતાવે છે.દેશમાં ઈ-સ્પોર્ટ્સ એથ્લેટ્સ અને ટીમોની સંખ્યા પણ કોરોના મહામારી આવ્યા પછી બમણી થઈ ગઈ છે. આકર્ષક ઇનામ લાભો ઓફર કરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરની અગ્રણી ટુર્નામેન્ટો દ્વારા તમામ વય જૂથોના લોકો આવી ઓનલાઈન ગેમ્સ રમવા માટે આકર્ષાયા છે. અમુક ઈ-સ્પોર્ટ્સ ટાઈટલ ટુર્નામેન્ટોએ રૂ. 2 કરોડ સુધીના જંગી ઈનામી પૂલની જાહેરાત કરી હતી.
દેશમાં ઈ-સ્પોર્ટ્સના વિકાસ માટે નવી દિશાઓ ખુલવાની હાલ શક્યતાઓ છે અને એટલે જ 2021 E&Y રિપોર્ટનું શીર્ષક ‘રેડી, સેટ, ગેમ ઓન!’ હતું. અપેક્ષા છે કે આ ઉદ્યોગનું બજાર કદ 46 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધશે અને 2025 સુધીમાં રૂ. 1,100 કરોડ સુધી પહોંચશે.
કારકિર્દી તરીકે ઈ-સ્પોર્ટ્સઃ
ઈ-સ્પોર્ટ્સ ઉદ્યોગની આ તમામ સંભાવનાઓ જેમાં મોટી રકમની કમાણી તેમજ તેની સાથે આવતી માન્યતાનો સમાવેશ થાય છે, તે ભારતીય યુવાનોને કારકિર્દીના ગંભીર વિકલ્પ તરીકે ઈ-સ્પોર્ટ્સ લેવા માટે પ્રેરિત કરે છે. ભારતમાં ઈ-સ્પોર્ટ્સના વિકાસના માર્ગમાં નજીકના ભવિષ્યમાં મોટો ઘટાડો જોવા મળશે નહીં અને તેથી તે ઈ-સ્પોર્ટ માર્કેટિંગ, કોચિંગ, ઈ-સ્પોર્ટ્સ પત્રકારો, ગેમ ડિઝાઇનર્સ વગેરે જેવા કારકિર્દીના વિવિધ વિકલ્પો રજૂ કરે છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ જાહેરમાં કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ થાય. એ સમય આવી ગયો છે કે સ્પર્ધાત્મક ગેમિંગને ઓલિમ્પિક્સ અને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં પણ દર્શાવવામાં આવે. આવું થવામાં ભારત મોખરે રહેશે તેમાં કોઈ શંકા દેખાતી નથી.