Site icon Revoi.in

રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છેઃ ડો. એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ પ્રધાન ડો. એસ.જયશંકરએ કહ્યું હતું કે, પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા અને પ્રધાનમંત્રીને તેમનો અંગત સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે, તેમણે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ અને નાયબ વડા પ્રધાન ડેનિસ મોન્ટુરોફ સાથેની તેમની ચર્ચા વિશે રશિયન રાષ્ટ્રપતિને જાણ કરી હતી.

આ પહેલા ડો. એસ. જયશંકરે ગઈકાલે મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, યુક્રેન અને ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ આર્થિક સહયોગ, ઉર્જા વેપાર, સૈન્ય-તકનીકી સહયોગ અને લોકોની અવરજવરને આગળ વધારવા માટે આગામી ચાર વર્ષ માટેના ડ્રાફ્ટ રોડમેપ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. બેઠક બાદ પત્રકાર પરિષદમાં ડૉ. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત અને સ્થિર રહ્યા છે, વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી રહ્યા છે.

ભારતના કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ. જયશંકર હાલ રશિયાની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તથા અન્ય મંત્રીઓ અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. તેમજ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ વધારે મજબુત બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.