અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ ખૂબજ વધ્યો છે. તેના લીધે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસો ખૂબ જ વધી ગયા છે. હોસ્પિટલો અને દવાખાનામાં ફરી એકવાર દર્દીઓની લાઈનો વધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ રોગચાળાની વાસ્તવિક પરિસ્થિતિ છુપાવી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો એકાએક વધ્યા છે જેથી આરોગ્ય વિભાગે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ક્યાં વિસ્તારમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા ઉલટી જેવા કેસો વધ્યા છે તેની વિગતો જ જાહેર કરવાની બંધ કરી દીધી છે. કોરોનાના કેસો છુપાવતી સરકારે હવે ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયા જેવા રોગચાળાના કેસો છુપાવવાનું શરૂ કર્યું છે.
અમદાવાદ શહેરમાં વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણને કારણે દરેક વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના શાસકોએ પણ અધિકારીઓ પાસેથી આંકડા લેવાના બંધ કર્યા છે. દર અઠવાડિયે શહેરમાં નોંધાતા રોગોના આંકડા જાહેર કરવામાં આવે છે. જેની માહિતી હેલ્થ કમિટિ ચેરમેન સહિતના હોદ્દેદારોને આપવામાં આવે છે. પરંતુ છેલ્લા 10 દિવસથી કોઈ માહિતી તેમની પાસે નથી. જેથી સ્પષ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ સામે ભાજપના હોદ્દેદારોનું પણ ચાલતું નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન હોય આરોગ્ય અધિકારીઓ તેઓને રોગચાળાની માહિતી આપતા જ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. જો કે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. મચ્છરજન્ય રોગો વધતાં દરેક જગ્યાએ ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે પાણીજન્ય રોગો હવે વધી રહ્યાં છે. પરંતુ દૂષિત પાણી અંગે કોર્પોરેશન તંત્ર ધ્યાન જ આપતું નથી. સપ્ટેમ્બરના અંત સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 693, ચિકનગુનિયાના 287, સાદા મેલેરિયા 199 કેસો, ઝેરી મેલેરિયાના 16 કેસો નોંધાયા હતા. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 336, ઝાડા ઉલ્ટીના 291, કમળાના 196 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા હતા. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના સતત વધારો થઈ રહ્યો છે.