Site icon Revoi.in

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કેસ વધ્યા, સાથે મલેરિયાના પણ બે કેસ નોંધાતા લોકો ચીંતામાં

Social Share

રાજકોટ: શહેરમાં આ તો કોરોનાવાયરસની લહેરી ધીમી પડી છે, લોકોને કોરોનાથી રાહત તો મળી છે પરંતુ હવે પાછું મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વાત એવી છે કે શહેરમાં દિવાળી પહેલા જ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા સહિતના રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 50 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. આ વર્ષમાં ડેન્ગ્યુના કુલ કેસ 224, મેલેરિયાના 44 અને ચિકનગુનિયાના 19 કેસ નોંધાયા છે. 1157 મચ્છર ઉત્પત્તિ સ્થળના આસામીને નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પ્રયત્નો છતાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાવાયરસના કારણે લોકોની દિવાળી બગડી હતી, અને તહેવારનો આનંદ રહ્યો ન હતો પણ આ વખતે કોરોનાથી તો થોડી રાહત છે પરંતુ મચ્છરજન્ય રોગ વધવાને કારણે પણ લોકોની ચીંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા તો આ બાબતે હાલ તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રકારના રોગથી બચવા માટે પણ લોકોએ સતર્કતા અને સ્વચ્છતા રાખવી પડશે.